પૃષ્ઠ:Parkamma.pdf/૧૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

મેંદીનો રંગ, એ તો છે મુસ્લિમ સંસ્કારની પ્રસાદી. ગીત પણ મિંયાનો જ નિર્દેશ આપે છે—

મિયાં કે વાસ્તે દાતણિયાં મગાવું ભલા !

×××

મિયાં કે વાસ્તે પોઢણિયાં મગાવું ભલા !
હાં રે મારાં જોબન જાય ભરપૂર,
હાં રે મારાં નેણાં ઝબૂકે જલપૂર

સુરજ રાણા! ધીમા તપોને,
મારી મેંદીનો રંગ ઊડી જાય.

વિવેચનનો સૂર્ય–તાપ વધુ તપે તો આ ગીતોનો મેંદી–રંગ પણ ઉપટી પડે એ બીકે વધુ કંઈ લખાતું નથી. જોબન જેનાં ભરપૂર નીરે વ્યર્થ વહી જતાં હશે તેનાં નેણાંમાં જલબિન્દુઓ ઝબૂકી રહેતાં હશે.

એક ત્રીજુ ટાંચણ ટીપણી–ગીત આપે છે—

મોર આદુર દાદુર બોલે છે,
ઝરમર મેવલો વરસે છે.

તમે જેસર ઓરા આવો રે
એક તમારી અરજ કરું.

આંગણીએ હોજ ગળાવું રે
ચોકમાં ચંપો રોપાવું.

વીંઝણલે વાહર ઢોળું રે
ફૂલની સેજે પોઢાડું

આટલી બધી સુકોમળ સારવાર શા માટે ? આટલા માટે કે—

તમે ધડીક મુજ પાસે બેસો રે
હૈડાં હેઠાં મેલીને.