પૃષ્ઠ:Parkamma.pdf/૧૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ગીત ભાઈ અમૃતલાલના આત્માને સ્વરહિલ્લોલ પર ચડાવી ડોલાવી શક્યું હતું. પોતાના મહિલા–વિદ્યાલયની વિદ્યાર્થિનીઓ–જેમાં કુમારિકાઓથી લઈ સુહાગણો વિધવાઓ પણ હતી–તેમની આગળ આ કૃતિઓ સંભળાવવા પ્રેરીને, આડકતરી તેમજ સીધી ઉભયવિધ જુક્તિ વડે મારામાં કવિતાસર્જકતાનો આત્મવિશ્વાસ રોપનાર પણ અમૃતલાલ દાણી હતા. દાણીનું એ ઋણ ન ચુકવાય તેવું છે. સામા માણસને પોતાની પ્રભા વડે આંજી દેવો, પોતાના તેજપુંજથી ચકિત, મુગ્ધ, સ્તબ્ધ બનાવી દેવો, પોતાનો નમ્ર આશ્રિત ભક્ત બનાવવો, એ સહેલ છે. સામા માણસની સુષુપ્ત શક્તિઓને પારખી લઈને પછી એની લાઘવ-ગ્રંથિનું આવરણ ઉખેડી લેવું, એનામાં નિજશક્તિભાન સંચારવું અને એને આ નિજ શક્તિનાં અતિભાનમાંથી ઉગારી લેતે લેતે સર્જનપ્રવૃત્તિને પંથે પળાવવો એ વિકટ કામ છે. દાણીમાં એ આવડત હતી. મારી કાવ્યસર્જકતાનો રોપ, સીધેસીધી રાષ્ટ્રોત્થાનભાવની જોખમભરી ભૂમિમાં પડતો બચી ગયો અને નિસર્ગલક્ષી બાળગીત કૌમારગીત તેમજ દાંપત્યગીતની ક્યારીમાં રોપાયો એ સ્વ. દાણીના પ્રતાપ. પત્રકારિત્વથી હું ત્યારે આજની માફક આઘો ખસી ગયેલો હતો. ‘કિલ્લોલ’ ‘વેણીનાં ફૂલ’નો ફાલ એટલે જ સંભવિત બન્યો. રાષ્ટ્રભાવી કૃતિઓનો ઉગમ તો તે પછી, ફરી પત્રકારિત્વે ઊતર્યો ત્યારે, ’૨૯–’૩૦નાં વર્ષોમાં, ‘જાગે જગનાં ક્ષુધાર્ત’ અને‘“કવિ તને કેમ ગમે !’ એ અનુકૃતિઓ વડે સૌરાષ્ટ્ર સાપ્તાહિકનાં પહેલાં પાનાંને શણગારવા માટે થયો હતો. ‘યુગવંદના’ મને પ્રિય છે, પણ ‘વેણીનાં ફૂલ’ ને ‘કિલ્લોલ’ પ્રિયતર છે. જનમેદનીને પ્રાણમાં જલધિ-ઘોષ ગર્જાવતું—

જાગો જગનાં ક્ષુધાર્ત
જાગો દુર્બલ અશક્ત

પૃથ્વીના પાટ પર
કરાલ કાલ જાગે