પૃષ્ઠ:Parkamma.pdf/૧૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
: પ્રયાણ ત્રીજું
૧૬૯
 

 કરશો ? પણ તે કાળે તો તદ્દન અજાણ્યાં. એટલે એમણે કંઇ રસ લીધો નહિ. પછી બીતો બીતો એ બાઇઓને ઉંબરે ગયો. એના મરદોનો વિશ્વાસ મેળવ્યો. સ્ત્રીઓ ને પુરુષો બધાં મળીને કહે કે ‘હા, આવજો તમતમારે સાંભળવા; મંડાવશું. એમાં શું વાંધો છે ! ના, અમને કાંઇ પણ સંકોચ નથી. ખુશીથી આવો.’ પછી એમણે જે ઋતુગીતો, લગ્ન-ગીતો કે આણાં વળાવવાનાં ગીતો ગાઇ ગાઇ, શબ્દોથી પરિચત બનાવી અને કાગળ પર ઉતારવા દીધાં, તેણે મારી સામે ગુજરાત મહાગુજરાતને બદલે તો સમસ્ત રાજસ્થાન (પશ્ચિમ હિંદ) ની સાંસ્કૃતિક એકરૂપતાનાં આજે થઇ ગયેલ પૂર્ણ દર્શનની તે કાળે ઝાંખી કરાવી હતી. આજે પણ એના એક લગ્નગીતને હિંડોળે મન ખૂલી રહ્યું છે—

પગે પગે વાવડલી ખોદાવું હો રૂપાળી લાડી !
પગે પગે વાવડલી ખોદાવું હો લાખેણી લાડી !
લઇ ચાલાં મારે દેશ !

નિર્જળી મરુભોમનો વાસી વરરાજ એ પાણીવિહોણા પ્રદેશથી ભય પામતી વધૂને લાલચ આપે છે-તારે પગલે પગલે કૂવા ગળાવીશ.’

મેંદીને વાટકે નોતરાં

એક સાંજે નરોત્તમ ભાણજીને ટેકરે જઈ ચડ્યો. એક ઘરની મારવાડી સ્ત્રી અન્ય ઘેરે ઘેરે જ, વાટેલ મેંદીનો અક્કેક વાટકો આપતી હતી. પૂછ્યું, આ શું ? કહે કે, ‘દીકરીને તેડવા જમાઈ આવ્યા છે. એ અવસરનાં ગાણાં ગાવાનાં આમ મેંદી દઇને નોતરાં કરીએ. ઘરઘરની વહુદીકરીઓ આ મેંદી હાથે મેલીને પછી રાતી હથેળીએ ગીત ગાવા અમારે ઘેર આવે. ચાલો, બેસો, સાંભળો એ ગાણાં.’ પછી એમણે આભ-નીસરણી માંડતા સ્વરે ભરપૂર જે ગીતો ગાયાં તે આ હતાં – સ્વરો જાણે કે છેક ઊંચે ઊડતી કુંજડીને સંદેશો પહોંચાડવાના હતા.