પૃષ્ઠ:Parkamma.pdf/૧૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૬
પરકમ્મા :
 


છે. પશ્ચિમ હિંદ–રાજસ્થાન–સમસ્તની રગેરગમાં સંચરતું સંસ્કારશોણિત મારાં પિંડને ને પ્રાણને ધબકતાં કરે છે.

‘મેઘાણીનાં લોકગીતો’ તો બહુધા ‘મેરાણી–દીધાં’ એ વિધાનમાં થોડી ભૂલ ભાળું છું.


ત્રાગડે ત્રાગડે

ટાંચણમાં પહેલી જ વાર માણસ, મિતિ અને ગામનું નામ નોંધાયેલાં મળે છે.

વિક્ટર : તા. ૧૯-૧૧-ર૭ : પસાયતો સંધી

યાદ આવે છે : વિક્ટર મહાલના વહીવટદાર ભાઇ અબ્દલ્લા ગાગનાણીનો મહેમાન બનેલો. કૉલેજ કાળના એ સહાધ્યાયી, ક્રીકેટ ટેનીસના અવલ દરજ્જાના ખેલાડી તરીકે મારા જેવા બિન-ખેલાડીના સન્માનિત ’૨૭ માં એ વહીવટદાર દરજ્જે હતા. મને ડુંગર રાજુલા વગેરે ગામોમાં ફેરવીને વાતો કહેનારાઓનો સુયોગ કરાવ્યો હતો. તે વખતે હું હતો બહારવટીઆ જોગીદાસ ખુમાણની કાળી શોધમાં. એ શિરોમણિ બહારવટીઆની લીલાભૂમિમાં હું ભટકતો હતો. એને નામે બોલાતી અક્કેક ઘટનાને હું ચકાસતો ચકાસતો નવા નવા સાહેદોને શોધતો હતો. એમાં ડુંગર ગામનો આ દરબારી સંધી પસાયતો ભેટી ગયો. ડુંગરથી વિક્ટર ત્રણેક ગાઉને માર્ગે, અમે ઘોડાગાડીમાં, અને એ પડખે પડખે પગપાળો હીંડતો વાતો કરતો આવે. છેક વિક્ટર સુધીનો મારો પંથ એ પસાયતાએ જોગીદાસ ખુમાણનાં ઘોડાની રજ-ડમ્મરે જાણે ધૂંધળો કરી આપ્યો. હમણાં જ જાણે જોગીદાસ આંહીથી નીકળ્યા હતા : એનાં ઘોડાંના ડાબલા