પૃષ્ઠ:Parkamma.pdf/૧૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૮
પરકમ્મા :
 



પીર ધંતરશાના મોરલાને મારી ખાઇ જનાર સંધી સિબંદીઓના કુકર્મનો કિસ્સો એ સંધી પસાયતાનો જ કહેલો છે. નવલખાના નેરડામાં જોગીદાસને ભેટેલી જુવાન સુતારકન્યાની પ્રેમ–યાચનાની અને એવી પ્રેમયાચનાનો ‘તું તો મારી દીકરી !’ એવા બહારવટીએ દીધેલા જવાબની ઘટના પણ એ કંગાલ સંધી પસાયતાએ કહી. તે દિવસથી પરનારીનાં લુબ્ધકર નેન–કટાક્ષોથી આત્મરક્ષા કરવા માટે જોગીદાસે જનપદના રસ્તા તરફ પીઠ ફેરવીને ચોરા પર બેસવાનું નીમ લીધાની વાત પણ એણે જ કહી. બહારવટીઆની સામે રાજ્યનાં લૂણ હક્ક કરવા હથિયાર બાંધી, પિરસાયલ ભાણેથી ઊભા થઈ ઘોડે ચડેલા અને ધિંગાણે ખપી ગયેલા નાગર આણંદજીભાઈની વાત પણ એણે કહી; અને નીચલો એક જે કિસ્સો સરતચૂકથી અણવપરાયો ટાંચણમાં જ પડ્યો રહ્યો છે તે પણ એણે કહેલો—

‘રાજુલા ! હુશિયાર !’

ડુંગર ગામમાં ભાવનગર રાજના આરબ જમાદારનું થાણું. જોગીદાસનો પડાવ મીતીઆળો ડુંગરામાં. એક વાર આરબ જમાદારને બહારવટીઆએ મીતીઆળે મહેમાન રોકી ખૂબ ખાતર બરદાસ કરી. પછી કહ્યું કે નાગેશરી માથે ચડવું છે, અમારા ભાઈ હરસૂર ખુમાણને મારનાર ઓધડ વરુને માથે વેર વાળવા.

કે ‘ભલે, હાલો.’

વાત એમ હતી કે હરસૂર ખુમાણ વિશે ચારણે નીચે મુજબ હડૂલો કહ્યો હતો.

વરૂ, કોટીલા, ને ધાંખડા, સાંભળજો સઉ,
મેથાળે હરસો હુઓ, લૈગ્યો વરૂઓની વઉ.

(હે વરૂ કોટીલા ને ધાંખડા નામે ત્રણે શાખાના બાબરીઆઓ ! મથાળ ગામનો હરસૂર ખુમાણ તમારી વરૂઓની વરુને લઇ ગયો છે.)