પૃષ્ઠ:Parkamma.pdf/૧૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૨
પરકમ્મા :
 


જ મોરચો કરી લઈએ.’ ઘેલો નદીને કાંઠે આરબોએ મોરચો બાંધી લીધો.

પ્રાગડે દોરા દીધા. [પ્રભાત પડ્યું] નગારું થયું. સામે કાંઠે શત્રુઓની સેના તોપ માંડીને તૈયાર હતી. આરબોની બંદુકે ગોલન્દાજને ઉડાડી મૂક્યો. ને પછી જમાદારે હાક દીધી : ‘ભેળી દિયો.’

હાથોહાથની લડાઈ ચાલી. દેવાણીઓ ભાગ્યા. પણ આરબો ન ખસ્યા. શત્રુને તગડી મૂક્યો.

મહારાજને શિહોર ખબર પડી, કે મારા દેવાણીને ભાગવું પડ્યું ને આ મને છોડી જનારા આરબોએ રંગ રાખ્યો. રાજુલાની વાતને વિસારી દઈ મહારાજે આરબ જમાદારને લઇ આવવા મીરાં દાદાને મોકલ્યા.

ભૂલું પડેલું માનવહૃદય

મધ્યયુગી માનવ-સિદ્ધાંતો કેવી વિચિત્રતા બતાવે છે ! આરબ જમાદર એક રાજ્યનો પગાર ખાય છે, પણ બીજાનો રોટલો ખાધો, ભાઈબંધી કરી, તેનું નૈતિક બંધન એને એ જ રાજ્યના અન્ય ગામની લૂંટમાં બહારવટીઆનો સંગાથ કરવા ખેંચી જાય છે, પછી પાછો એ જ માનવી એક ગામને ઝાંપે સ્વાગત પામે છે, તેટલા જ કારણે ત્યાં તે ગામને ખાતર ખપી જવા તત્પર બને છે, એની ખાનદાની નિહાળીને એ જ રાજા એ આરબની આગલી ખૂટલાઈને ભૂલી જાય છે અને આરબને પાછો તેડાવે છે. મૈત્રી, અદાવત, આશરાધર્મ, ખૂટલાઈ અને ખાનદાની, બધાં અરસ્પરસ અટવાઈ જઈને માનવીની આંખો સામે અંધકારભરી રાત્રિ ઉતારે છે. ભૂલું પડેલું માનવ–હૃદય એ અટવીની અંદર જ્યાંથી શક્ય હોય ત્યાંથી ઝડપે મારગ કરતું આગળ ચાલે છે. સર્વકાલીન અને સનાતન માનવ ધર્મની એને ગતાગમ નથી. એ વિચારવા તોળવાની એને વેળા નથી.