પૃષ્ઠ:Parkamma.pdf/૧૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૮
પરકમ્મા :
 

 તો આંહીં વનવનનાં લાકડાં જેવા કૈંક જાણ્યા અજાણ્યા, નરમ ને ખુન્નસભર્યા વાઘેરો ભેગા થયા છે.)

લધુભા કહે : ‘મૂંકે તો ઝેર અચેતો. મુંજી વખાર ખાલી કરી વીંની.’

એ પછી જોધા માણેકે અમરાપરથી બે ગાડાં મગાવી જસરાજ માણેકના પાળીઆ આગળ ગુપ્ત ઊભાં રખાવ્યાં અને પછી અમારા કુટુંબ સહિત પાંત્રીસ માણસોને ખરચુ જવાને બહાને નાળીએરના ઉલકા (કાછલી) પકડાવી કિલ્લા બહાર કઢાવ્યા, ગાડાંમાં બેસરાવી અમરાપર પોતાના ઘર ભેગા કર્યા. ત્યાં ચારપાંચ દિવસ ગુપ્ત રખાવ્યા, એને ઘેર ભેંસો હતી તેના દૂધનો રોજ દૂધપાક કરી અમને એની બાઇઓએ જમાડ્યા. એ દૂધપાક મને હજી પણ સાંભરે છે. પછી અમને સૌને જામખંભાળીઆ તરફ લઇ ચાલ્યા. મારા ડાડા રામજીભા તો દ્વારકામાં જ રહ્યા, ને મારા દાદાના ભાઈ જેરામભા, દાદી વગેરે બેટમાં હતા.

લુંટારો લજવાયો

ચાર ગાડાં જોડાવી મારા પિતા લધુબા ચાલ્યા જાય ત્યાં રસ્તે છુપાઇ રહેલા વાઘેરો ઊભા થયા. પહેલા ગાડાને જવા દીધું, પછી બીજા ગાડાના બળદની નાથ પકડી લૂંટવા માટે,

એટલે તુરત મારા બાપે પાછલે ગાડેથી ઊતરી દોડતા આવી હાક દીધી : ‘કેર આય ? અચો પાંજે ગડે.’ (કોણ છે ? આવો મારે ગાડે.)

જવાબમાં લૂંટારો બોલ્યો નહિ. મોંએ તો મોસરીયું વાળેલું, પણ ફક્ત આંખો તગતગે.

મારા બાપે કહ્યું : ‘હાં, તોજી અખતાં મું સુઝાણ્યો આય કે તું વરજાંગ અયે.’ (તારી આંખો પરથી જ મને સૂઝી આવે છે કે તું બીજો કોઇ નહિ, વરજાંગ છે.)