પૃષ્ઠ:Parkamma.pdf/૨૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
: પ્રયાણ ત્રીજું
૧૯૩
 


હથિયાર ન છડ્યું

‘ચાર દિવસે સાત આગબોટ દેખાણી સમીઆણીની દીવાદાંડી પાસે, ત્રણ દેખાણી નાની ખાડીમાં. વાઘેરોએ હાજી કરમાણીશા પીરની જગા પાસે જઇ નાની તોપો વછોડી, સામા મોટા ગોળા આવ્યા.

વાઘેરો બોલી ઊઠ્યા : ‘હે ભેંણે હેડ હેડે જો તો વદાડ ન વો.’ (આવડા આવડા તોપગોળા ફેંકવાનો તો કરાર નહોતો થયો !)

જાલી બોટમાં બેસીને આગબોટવાળાઓ પાણી માપી ગયા. એક સ્ટીમર હડમાનદાંડીથી આવી, ગોળા વછોડ્યા.

રાઘુ શામજી નામે ભાટીઓ, અંગ્રેજી બોલી જાણે, તેણે ગામને બચાવ્યું. વાઘેરોને કહ્યું : ‘વષ્ટી કરીએ.’

વાઘેરોએ ધોળો વાવટો ચડાવ્યો. દરિયાઇ ફોજનો કેપ્ટન આવ્યો. બુઢ્ઢા વાઘેરોને એની પાસે લઇ ગયા. કેપ્ટને કહ્યું : ‘કદમમાં હથિયાર મૂકો ને કિલ્લો સોંપો.’

વાઘેરોએ જવાબ વાળ્યો : ‘હથિયાર તો ન છડ્યું. હીં કિલ્લો સોંપી ડ્યું.’ (હથીઆર નહિ છોડીએ. આમ ને આમ કિલ્લો સોંપી દઈએ) ગોરો શેનો માને ? એણે તો હલ્લો કીધો.

રૂની મલીઓની આડશવાળી, કોઠા પાસેની એક ગલી હતી. ત્યાં ખાડા કરી ચાર વાઘેર ઊભા રહ્યા. એમાંથી બે જણ બીના. એને બીજા બેએ કહ્યું : ‘હે ભેંણેં ! મૂરતમેં જ માઠો વેણ ! ભજી વીનો.’ [ ફિટકાર છે. મૂરતમાં જ મોળી વાણી ! ભાગી જાવ ]

બે ગયા બે ઊભા રહ્યા. પાંચસો ગોરા સોલ્જરો બેટકાંઠે ઊતર્યા. કાંઠે પણ સોલ્જરોની ચોકી બેઠી.

બે વાઘેરોએ રૂની મલીઓમાં તોપ ગોઠવી. તેમાં કચ્છી ઢીંગલા ભર્યા હતા. તોપ દાગી. કિનારે ઊતરેલા હતા તેમાંથી પચીસ સોલ્જરોને ઘાયલ કર્યા, ને બે વાઘેરો પાંચસો સોલ્જરોની ફોજમાં ઠેકી પડ્યા.