પૃષ્ઠ:Parkamma.pdf/૨૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
: પ્રયાણ ત્રીજું
૧૯૫
 


પછી તો જોધો માણેક બહારવટે નીકળ્યો. એ બહારવટાંની રોમાંચક કરુણ કથા મેં બહારવટીઆ ભા. ૨ માં કરી છે. તેમાંનો આ કિસ્સો રતનશીભાઈ પાસેથી સાંપડ્યો છે—

જોધાને જોવાના કોડ

બાર્ટન સાહેબની મડમ, નામે મેરી. જોધાને જોવાનું એને બહુ મન. રામજીભાને કહ્યું. રામજીભા કહે કે ‘સાહેબને પૂછો. એ હા પાડે તો દેખાડું.’

સાહેબે હા પાડી.

રામજીભા કહે છે કે ‘ન પકડો તો ભેટાડું.’

કે ‘ભલે’

રામજીભાએ જોધાને કહેવરાવ્યું : ‘સારું થાય તેવું છે. માટે આવો.’

આવ્યો રાતે.

મડમ કહે : ‘ના, સાહેબની કચેરીમાં ન લાવશો. વખતે દગો થાય. બ્હાર લઈ જાવ.’

ગામ બહાર સીમમાં જોધો માણેક રામજીભાને બથમાં ઘાલીને મળ્યા. બોલ્યા : ‘રામજીભા ! જીરે જીરે મિલ્યા સી પાણ. પાંકે ભરોંસો તો ન વો.’ (જીવતે જન્મારે મળ્યા ખરા આપણે. મને તો ભરોસો નહોતો.)

સાહેબને મળ્યા. સાહેબે કહ્યું કે ‘હું બહારવટું પાર પડાવું પણ મારે જોધા માણેકને નજરકેદ રાખવા પડશે.’

જોધો કહે ‘રામજી શેઠ જામીન થાય તો હું નજરકેદ રહેવા કબૂલ છું.’

સાહેબ :– હું લાચાર છું. એવો કાયદો નથી, બાકી રાજની રીતે નજરકેદ રાખું.