પૃષ્ઠ:Parkamma.pdf/૨૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

રામજીભા કહે ‘જોધાભા, ચાલ્યા જાવ.’

સાહેબે જવા દીધા. ગયો. કોડીનાર ભાંગ્યું. પછી તો મુઓ તેનું બયાન તો સો. બ. ભાગ બીજામાં આપ્યું છે.

તે પછી એક દી’—

‘જોધા માણેકની દીકરી નામે ગગીબાઈ. પડછંદ. બહુ રૂપાળી. પોલીટીકલ એજન્ટ કીટીન્જ સાહેબે જોધાની વહુઓને પૂછ્યું, ‘મહારાજ ખંડેરાવ ગાયકવાડ સાથે દીકરીનું સગપણ કરાવીએ તો વાઘેરોનો પ્રશ્ન સરસ રીતે પતે ને વળી બાઈના પેટના બહુ જોરાવર પાકશે.’

બાઈઓએ ખુલાસો ન દીધો.

આખરે એક દિવસ, વાધેરોનું બહારવટું નિર્મૂલ બન્યા પછી, રામજીભાના કહેવાથી ગાયકવાડે જોધા માણેકની બેઉ સ્ત્રીઓને રૂા. ૩૦-૩૦ ની જીવાઈ બાંધી આપી, ઘર ચણાવી દીધાં, વાડી દીધી.

ઢેઢ મૂરૂ ટાપુ

ત્રણેક કલાક ધારાવાહી રહેલી રતનશી ડોસાની કથા અહીં ખતમ થઈ. એ સમાપ્તિભાગને સહન કરવા માટે જે વજ્રહૃદય જોઈએ તે મારામાં નહોતું. બળવાની લીલાભૂમિ નિહાળી. થાનકો જોયાં, સમુદ્રકાંઠો જોયો, એ કાંઠેથી જળજંતુઓએ કસબ કરેલા નાના પાણકા અને જળ-ઝાડવાંનાં ડાંખળાં વીણ્યા. પંજા પીર, સુણી-મેહારના ડુંગરા નામનું બે ખડકોનું જળતીર્થ, જ્યાંથી વાઘેરો વગર વહાણે ઊતરી ગયા તે શંખોલીઓ કાંઠો, ક્યુ નામનો બેટ, માનમરોડી ટાપુ, ધબધબા ટાપુ, સાવઝ ટાપુ, લેફામૂરડી ટાપુ, એ દૂરદૂરથી દીઠાં. પ્રથમ આરંભડા ગામથી મછવામાં બેસી બેટમાં ગયો ત્યારે જળમાં ઊભેલા સાતમુર, પારેવો ને ઢેઢમૂર નામનાં બેટડાં પણ જોયાં. ઢેઢમૂરૂ નામ અર્થપૂર્ણ છે. બેટ શંખોદ્ધારની એ છેલ્લામાં છેલ્લી અણી : ઢેઢ લોકોને ખુદ બેટની ધરતી પર પગ મૂકવાની મનાઈ હતી. મંદિરોના