પૃષ્ઠ:Parkamma.pdf/૨૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

માલિકો તરફથી ! અસ્પૃશ્યોએ તો દેવની ઝાંખી એ ઢેઢમૂરૂ નામના ખડક પરથી જ કરીને પાછા વળવાનું હતું. જેઓએ દેવને આટલા બધા આભડછેટીઆ બનાવ્યા તેઓ આખરે શું કમાયા? ગોરાઓના હાથથી મંદિરોનો સુરંગ-ધ્વંસ ! દૈવી ન્યાયને ચોપડે તો પાપપુણ્યનાં ચક્રવર્ધિ વ્યાજ ચડે છે. પણ આ પ્રારબ્ધ-લેખાં સમજાતાં નથી એટલે જ આ દેવમંદિરના રક્ષકોએ હજુ તો પાંચેક વર્ષ પર અસ્પૃશ્ય–સેવક ઠક્કરબાપાને ગોમતીસ્નાન કરવા નહોતું આપ્યું.

‘હું પંદર વર્ષની હતી’

બેટમાં રતનશી શેઠ મળ્યા, તેમ આરંભડામાં દાદીમા મળી ગયાં. મને ઓખામંડળમાં લઇ જનાર શ્રી ભૂપતસિંહભાઈ વાઢેર (તે વખતે ભાવનગર રેલ્વેના ગાર્ડ) હતા. ઓખામંડળના જમીનધણી બે : વાઘેરો ને વાઢેરો. બેઉને ગાયકવાડે જીવાઈદારો બનાવી દીધા. આ ભૂપતસિંહભાઈનો પણ જીવાઈભાગ હતો. દર વર્ષે ચડત જીવાઈ લેવા પોતે આરંભડે જાય. ત્યાં વાઢેર દરબારોના ગઢમાં પોતે મને લઈ ગયા અને એક નેવુંક વર્ષનાં રાજપૂતાણી દાદીમાની સામે લઈ જઈ બેસાડ્યો. વાઘેર–બળવાનાં સગી નજરનાં આ બીજા સાક્ષી દાદીમા બોલતાં ગયાં ને હું ટાંકતો ગયો—

‘અમારા વડવા રાણા સંગ્રામજી સં. ૧૮૦૦ પૂર્વે થઈ ગયા. એમની બેટમાં ગાદી. દરિયાનાં વહાણ લૂંટે. એક વાર એક સાહેબનો બરછો લૂંટી એમાંથી સાહેબની મઢમને લઈ ગયા, બેન કરી રાખી. પછી અંગ્રેજોની ચડાઈ આવી. મઢમને પાછી લઈ ગયા, અને સંગ્રામજીને પકડીને સૂરતમાં રાખ્યા, પોતે ફળફૂલનો જ આહાર કરતા. મઢમના જ કહેવાથી એમને ગોરા પાછા આંહી મૂકી ગયા. આરંભડામાં જ એ ગુજરી ગયા.’

‘એના અભેસંગજી. એની પછી જાલમસિંગજી. વાઘેરોએ રાજપલટો