પૃષ્ઠ:Parkamma.pdf/૨૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૮
પરકમ્મા :
 


મારેલા. એક દિવસ લાખણસીભાઈ સણોસરા પાસે સાંઢીડા મહાદેવ નજીક સૂતેલા ત્યાં રાજની વાર ચડી પણ સુરો મોરી, કે જેના છ દીકરાનો લાખણસી કવિના બહારવટાએ ભોગ લીધેલો તેણે પોતે જ ચારણની હત્યા લાગશે એવી લાગણી થઈ આવવાથી પોતાની ઘોડી મોખરે કરી, જઈને લાખણસીભાઈને જગાડ્યા, ‘ભાગો, આ મારી ઘેાડી.’

લાખણશીભાઈ :— તારા દીકરાનાં મોતનાં નેવળ મારા પગમાં પડી ગયાં. હું લાખણશી હવે ન ભાગું.

પોતાનો ભાણેજ હતો સાથે, એને કહે કે તું ભાગી છૂટ. ભાણેજ કહે, ન ભાગું. મામો ભાણેજ વારની સામે તરવાર ખેંચી ઊભા રહ્યા. વચ્ચે ઊભો સુરો મોરી, વારને કહ્યું, ‘પહેલા મને મારો, પછી ચારણને.’

વારમાંથી બંદૂક છૂટી. સુરાના પગમાં ગોળી વાગી. લાખણશીભાઈ પણ મરાણા. એના બે દીકરાને સુરા મોરીએ પાળ્યા ને ભણાવ્યા.

(પોતાના છ દીકરાનો પ્રાણ લેનારના બે દીકરાને આવું રક્ષણ આપનાર રાજપૂતી સોરઠના પ્રાણબોલ સંભળાવે છે.)

એ બે ચારણો, વજો ગઢવી અને ભાયો ગઢવી ગારીઆધાર છોડી સંવત પંદરમાં ઉમરાળે ઠાકોર વીસાજી ગોહિલ પાસે આવી રહ્યા.

એક દિવસ વીસાજી ઠાકોર ઘેરે નહિ. કાઠીઓએ ધણ વાળ્યું. વજોભાઈ દોડ્યા, હાક મારી કે ‘કાઠી, મેલી દે માલને.’

કે ‘તારાં ચારણનાં બે હોય ઈ લઈ લે.’

કે ‘ના, ના, તમામ પાછાં વાળ. મારો ધણી ઘેરે નથી.’

‘નહિ મળે.’

એટલે વજાભાઈ ચારણે ત્રાગા રૂપે ગળે તીર નાખ્યું.

કાઠી લૂંટારો હસીને કહે કે 'ફિકર નહિ, એટલું વીંધ તો ચારણના ગળામાં હોય !’