પૃષ્ઠ:Parkamma.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪
પરકમ્મા :
 


 કારણ ?

કારણમાં કરુણતા રહી છે. ગાદીના ધણીઓને ઝેર દેવાતાં, તે કર્પીણ કાળનો, આ આજ સુધી ચાલ્યા આવતા રાજવળાંના રિવાજમાં પડઘો છે. આજે પણ ઠેર ઠેર મેં જોયું છે, કે રાજવીને ઘેર રાજપુત્ર જ્યારે પરોણો હોય ત્યારે યજમાન રાજવી એ પરોણાની સાથે પોતાના જોબનજોદ્ધ પુત્રને જમવા બેસારે. પહેલો કોળીઓ એ યજમાન–પુત્રને આરોગવાનો હોય.

સોરઠીઆણીની દશા

મનના મધપૂડાનાં છિદ્રો પછી છિદ્રો આવી વિલક્ષણ અસલવટો વડે પુરાતાં જાય છે, સોરઠી મધ્યયુગી જીવનનું જે વાતાવરણ મારે મારી કથાઓમાં સર્જાવવાનું હોય તેની પરિપુષ્ટિ આમ થતી આવેલી. અને મદભરી સોરઠીઆણીમાં જૂનાં પાત્રોની વર્તમાનમાં થઇ રહેલી અવદશાનો આ ચિતાર પણ ગામડે ગામડે મળી રહેતો, જેના બળે હું અવાસ્તવની આસમાનીમાંથી ઊગરી ગયો છું.

‘મોટા માત્રા ગામ : ૫૦ હાથ ઊંડો કૂવો : તળીએ વીરડા જેટલું પાણી : કેડ્યે રાંઢવું બાંધીને કાંઠેથી એક નાની છોકરી અંદર ઊતરી છે : એ ત્યાં તળીએ ઊભી ઊભી ડોલ ભરે છે. આ ડોલ ઉપરથી સિંચાય છે, કાંઠે પનીહારીનાં બેડાં એ ડોલે ડોલે ભરાય છે. કૂવાને કઠોડો નથી.’

આજ એ વાતને અઢારેક વર્ષ થયાં હશે. આવું આછુંપાતળું ટાંચણ પણ એ કઠોડા વગરના એકાકી કૂવાને તળીએ તબકતા ચાંદરડા જેટલા એ પાણીને તળીએ ઊભી ઊભી ડોલો ભરી દેતી એ છોકરીને અને વેદનામૂર્તિ, મૂંગી, ગંભીર કાઠીઆણીઓને મનના વેરાન વચ્ચે તાદૃશ કરી આપે છે અને—

કાઠીઆણી કડ્ય પાતળી
હલકે માથે હેલ્ય;