પૃષ્ઠ:Parkamma.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
: ટાંચણનાં પાનાં
૧૫
 



બરડા હંદી બજારમાં
ઢળકતી આવે ઢેલ્ય.

ઓદરથી ઉરે સરસ,
નાકનેણનો તાલ;
ગૂઢે વસ્તરે ગોરિયાં,
પડે જોવો પાંચાળ.

એવી એવી મેં એકઠી કરેલી આ કંકુવરણી ભોમકાની સૌંદર્યખ્યાતિનાં ચાંદૂડિયાં પાડતો વર્તમાન પાંચાલ નજરે તરે છે.

ચિત્રાકૃતિઓની મદદ

ગામવાર ટૂંકાં ટાંચણ છોડી દઉં છું, એ ડુંગરીઆ ગઢકિલ્લાના અવશેષોને યાદ રાખવા માટે મેં કોઇ અફલાતૂન ચિત્રકારની અદાથી દોરેલાં ચિત્રોને નીરખતો આગળ વધું છું. ભીમોરાનો ગઢ ચીતર્યો છે, નિનામાના ગઢને એક નદીકાંઠે ઊભો કર્યો છે, ઊંચી ઊંચી ભેખડ પર ઊભેલું અમારા સ્વ. કાઠી મિત્ર દરબાર શ્રી કાંથડ ખાચરનું રેશમીઉં આ કળાકારની પેનસિલને લીંટોડે ખડું થયું છે. ઠાંગનાથ મહાદેવની એક દેરીને એક ડુંગરના પેટાળમાં ધજા સહિત દેખાડી છે. પ્રશ્ન ફક્ત એટલોજ રહે છે કે મેં આલેખેલું એ તે ડુંગરનું પેટાળ છે કે કોઈ સ્ત્રીનું ઝંટિયે ઝૂલતું માથું છે, એ તો સોવીએટ કલાકારોની કદરનો વિષય છે. ભવિષ્યમાં કોઈ ભક્ત મારી આ હસ્તપ્રતને પણ મોસ્કો નહિ લઈ જાય ?

શિવજીના પોઠીઆ

ખેર ! આ બાબત, હું આજે બનાવી રહ્યો છું તેવી તદ્દન પરિહાસની નથી. આ આકૃતિમાં મેં ઠાંગનાથ મંદિરેથી ગામ તરફ લંબાતી જતી એક ધારની ટોચે સિલસિલાબંધ ઊભેલા પથ્થરો બતાવીને ઉપર લખ્યું છે : ‘પોઠીઆ.’