પૃષ્ઠ:Parkamma.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦
પરકમ્મા :
 

 છે. વનમાં એની પોઠોના પડાવ : કસ્તુરી, તેજાના અને અત્તરો મોતીડાંના એના વણઝાર–ભાર :

ને આખરે એનું કલેજું ! રીસાળુએ ઠાર મારીને કાઢી આણેલું એ કલેજું ફૂલવંતીના પેટમાં પહોંચ્યું.

પ્રેમ જે વેર વાળે છે, તેનો છે કોઈ જોટો આ જગત પર ?

પ્રીતમના કલેજાનું રાંધણું

આ કલેજું રાંધીને ખવરાવવાની વાત સાહિત્યમાં એકથી વધુ ઠેકાણે કેમ આવતી હશે ? એક લોકગીત છે. રાણી પાણી ભરવા સંચરેલી છે. નવાણકાંઠે મોરલો બેઠો છે—

‘પાણીડાં ભરે ને મોર
ઢોળી ઢોળી નાખે રે.’

રાણીને મોરલાની માયા લાગે છે. રાજાને જાણ થાય છે. પ્રણયી પંખી પ્રત્યે દ્વેષ જન્મે છે. રાજા શિકારે ચડે છે. રાણી વીનવે છે—

‘મારજો તે મારજો રાજ !
‘હરણ ને હળીઆરાં રાજ !
‘એક નો મારજો રે વનનો મોરલો.

પણ રાજા તો મોરલાને જ મારે છે. એનું માંસ લાવે છે. રાણી પાસે રંધાવે છે. રોતાં ને રહકતાં રાણી રાંધે છે. પણ જમતી નથી.

જીવનમાં નીરસ બનેલી રાણીને પછી રાજા બહુ બહુ મનાવે છે, કે ‘રાણીજી ! જમો. હું ટોડલે મોરલો કોતરાવું, તમારા અલંકારો પર મોરલો આલેખાવું : પણ, ના, ના, ઊડી ગયેલો જીવન–રસ પાછો વળતો નથી. નર્મદ લખે છે કે એમના સમયમાં આ ગીત સુરતની સુંદરીઓ ટીપના તીણા સ્વરે ગાતી ત્યારે સુરત ડોલી હાલતું.

આ મોરલો તે પંખી સમજવો ? કે કોઈ પ્રણયી માનવ–મયૂર ?

ચાલો કલમ ! આમ થોભતી રહીશ તો પાનાં ક્યારે પૂરાં થશે ?