પૃષ્ઠ:Parkamma.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮
પરકમ્મા :
 

છે. હું આ દિવસોમાં સમસ્ત ભજનસાહિત્યમાં ને ભક્તપ્રણાલિકામાં ઊંડો ઊતરી રહ્યો છું. આ મહેમાન–યજમાનની, પુરુષ ને સ્ત્રીની, પાસે પાસે પથારી શું ! પરોણાગતની આવી પ્રણાલિકાનું રહસ્ય શું ! એ પછીથી ચર્ચશું.

સજણાં

અત્યારે તો ઊઘડો ‘સાજણ’ના ટાંચણ–પાનાં ! સજણને (સ્વજનને) સાચાં ખોટાં પરખી કાઢો–કોઈ ‘ચૂડ વિજોગણ’ નામની સ્ત્રીકવિનાં આ ખંડિત છતાં પૂર્ણ અર્થવાહક પ્રેમપદોમાંથી :—

(દુહા–છકડીઆ)

સજણ એવાં કીજિયેં જેવી લટિયર કેળ;
દૂધમાં સાકર ભેળિયેં કેવોક લિયે મેળ.

કેવોક લિયે મેળ તે સળી ભરી ચાખિયેં,
વાલ સજણાંને પાડોશમાં રાખિયેં.

ચંપે તે મરવે વિંટાણી નાગરવેલ.
ચૂડ કે’ સજણ એવાં કીજિયેં જેવી લટિયર કેળ.

સ્વજનની શોધ કરનાર સંસારી ! તને ચૂડ વિજોગણ નામની કોઈક જખ્મી, કોઈક દાઝેલી, કોઈક સ્વાનુભવી લોકનારી પ્રણય કરવાની જુક્તિ બતાવે છે. સ્વજન એવું શોધજે, કે જે ઝુકેલી લુંબઝુંબ કેળ જેવું હોય. દૂધમાં જેવી સાકરની મિલાવટ થાય, તેવી તારા ને એના બેઉના પ્રેમની મિલાવટ કરજે ને પછી, પ્રથમ તો જરાક, લગરીક, સળી બોળીને જ ચાખી જોજે કે બેઉએ કેવોક મેળ લીધો છે. ઘૂંટડો કે કટોરો ગટગટાવવાની ઉતાવળ કરીશ ના પ્રેમી ! સળી ભરીને જ પરીક્ષા કરજે એના સ્વાદની. ને પછી :

સજણ એવાં કીજિયે જેના તંબોળવરણા હોઠ,
છેટેથી લાગે સોયામણાં, જાણે કાઠા ઘઉંનો લોટ.