પૃષ્ઠ:Parkamma.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
: ટાંચણનાં પાનાં
૩૫
 


આ બધા છકડિયા એક જ માણસે ઉતરાવ્યા લાગે છે. શાહી કલમ ને લખાવટ એકધારી છે, લખાવનાર યાદ આવતો નથી.

નથુ તૂરી

યાદદાસ્ત પણ અવળચંડી જ છે ના ! ખોખરી એવી ‘સુંદરી’ – (સારંગી)ને ખોળામાં લઈને અંત્યજ નથુ તૂરી બેસતો, અને બે રાભડાં છોકરાંમાંથી એકને ધવરાવતી ધવરાવતી નથુની ચૂંચી આંખોવાળી લઘરવઘર વહુ બેસતી. બેય જણાં ખરજ અને પંચમ સૂરવાળાં ગળાં મેળવીને કાર્યાલયના નાનકડા ચૉકની હરિયાળી પર—

લાવો લાવો રે બાદૂરખાં મિયાં હિંદવાણી
એને આવતાં મેં તો જાણી લાલ હિંદવાણી

એવું કોઈ મુસ્લિમ દરબારને રીઝવવાને માટેનું ગીત પણ ગાતાં, (જે ગીતે મને ‘આવો આવો રે બ્હાદુર આ બહેન હિંદવાણી’ એવા ‘વેણીનાં ફૂલ’વાળા રાષ્ટ્રગીતનો ઝૂલતો – મલપતો ઢાળ આપ્યો) અને બીજે છેડે ‘સંત દાસી જીવણ’નાં ભજનો પણ ગાતાં. આ રહ્યું નથુએ ગાયેલું એ ભજન—

મુંને માર્યા નેણાંનાં બાણ રે,
વાલ્યમની વાતુંમાં.
વાલ્યમ ! તારી વાતુંમાં
હાંકી મેલ્યાં હૂંડી વા’ણ રે,
શામળા ! તારી શોભાનાં.

જીવણ કે’ પાંચ તતવ ને ત્રણ ગુણનું
તેનું હરિએ બનાવ્યું વા’ણ;
મરજીવા થૈને માથે બેઠા,
એવાં હરિએ હોકાર્યાં હૂંડી વા’ણ રે
વાલ્યમની વાતુંમાં.