પૃષ્ઠ:Parkamma.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮
પરકમ્મા :
 


ઊઠ સીતે !
ઊઠ સીતે !

પોહે ગોડ ગોડ
કવડા પોર પોર !

અર્થ — ઊઠ સીતા ! ઊઠ બેન સીતા ! આ પૌઆ તો ગળ્યા ગળ્યા છે, ને આ તારો ભાઇ કવડો જ બાળક છે – બેવકૂફ છે. તે આવી છોકરવાદી કરી બેઠો છે. ઊઠ સીતા ! ઊઠ સીતા ! ઊઠ સીતા !

પણ સીતા તો શેની ઊઠે ? મરી ગઈ હતી. પછી ભાઈ કવડો પણ મરી ગયો. મરીને કવડો (કપોત) પક્ષી સરજાયો. આજે પણ કપોત જે સ્વરોચ્ચાર કરે છે તેમાં લોકકલ્પના આ શબ્દો સાંભળે છે :


ઊઠ સીતે !
ઊઠ સીતે !

પોહે ગોડ ગોડ
કવડા પોર પોર !

‘ઓતરાતી દીવાલો’માંથી આ કિસ્સો વાંચીને હું ઊછળી પડ્યો હતા. કાઠિયાવાડી લોકસાહિત્યની કોઈ પણ કૃતિને મળતી આવતી અન્ય પ્રદેશોની નાનીમોટી કોઈ પણ વસ્તુ મળતાં, ન વર્ણવી શકાય તેવો આનંદ થતો. પોતાના પ્રિયજનની અણસાર અજાણ્યા ચહેરાઓ પર એકાએક પકડી પાડતાં જે ગુપ્ત માર્મિક આનંદ આજે પણ અનુભવાય છે, તેવા જ પ્રકારનો આ સામ્યદર્શનનો આનંદ મને લોકસાહિત્યના ઈતરપ્રાંતીય પરિચયમાંથી સતત મળતો રહે છે. અમારા સ્ટાફ પર ભાઈ હરગોવિંદ પંડ્યાની જીભને ટેરવે, ગંભીર પ્રસંગને હળવો બનાવી દેનારી લોકકથા, ટુચકો, કહેતી, કે ઉખાણું હમેશાં હાજર હોય. એમણે આ મહારાષ્ટ્રી હોલાના ઘૂઘવાટ સાથે સંકળાયેલી કવડા-સીતાની વાત સાંભળતાંની વાર જ કાઠિયાવાડી તેતર-બોલીમાંથી ઉદ્‌ભવેલ લોકકથા કહી સંભળાવેલી—