પૃષ્ઠ:Parkamma.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
: ટાંચણનાં પાનાં
૪૩
 


ઊચક્યે જવું. એ બધું એનું ‘સેટિંગ’ છે. એને જે કંઈ કંઠસ્થ છે તે સમગ્રપણે એક અને અવિભાજ્ય વસ્તુ છે. એનું કથન જો તમે વચ્ચે ક્યાંય તોડી પાડો તો એ રંગભૂમિના તખ્તા પર પોતાનો પાઠ ભૂલી ગયેલા નટની અવદશાને પામશે. એનું કથન તે તો આનંદનો ઝરો છે. ઝરાને ઝરવા જ દેજો. એનો એકનો જ નહિ, તમારો સંશોધકનો પણ એ શ્રેયનો પ્રશ્ન છે. એના સમગ્ર કથનમાં ઝબકોળાયા વગર સંશોધકના મગજનું વાતાવરણ બંધાશે નહિ. જે મનઃસૃષ્ટિમાં – કલ્પનાસૃષ્ટિમાં એ વાર્તાકાર તમારી નાવને હંકારી જાય ત્યાં તમે એને ડોંચ્યા કે ડોક્યા વગર જવા દેજો. તમારી જાતને એના વાણીતરંગો પર વહેતી મૂકજો.

જેઠા રાવળનું વાણી-વહેન સાદ્યંત અણુરૂધ્યું રાખ્યું તેને પ્રતાપે જ એને હું સમગ્રતાએ પામી શક્યો. આજે આટલે વર્ષે પણ અમુક કવયિતાઓ સાથેનો મારો કલ્પનાસંપર્ક જીવન્ત છે, એ મૂએલા છતાં એમના જગતમાં હું શ્વાસ લઈ રહ્યો હોઉં તેટલો ઓતપ્રોત છું તેનું કારણ એ કે મેં તેમને સમગ્રપણે સ્વીકાર્યા હતા.

‘સમરાંગણ’ની બે ઘટનાઓ

ત્રીજી વાર મને ભૂચર–મોરીના રણાંગણમાં મૂકનાર એ જેઠો રાવળ હતો. ત્રીજી વારની આ નોંધ એની કરાવેલી છે—

‘સવાશેર પાણો રૂબરમાં તણાય એવી લડાઇ ચાલશે.
‘જેસા વજીરની ઘરવાળી જોમાબાઇ : એનો દીકરો નાગડો : પવર [પયોધર] વાંસે નાખ્યાં’તાં : વાંસે ઊભો ઊભો ધાવે.
‘આ જોળાળીને-ગાડરના પેટનો ઊભો ઊભો ધાવે છે તે કેવોક થાશે ?’
‘એની આગળે ખબર.’

XXX

નાગડાનાં કાંડાં પડી ગયાં, ચામડાં ચડી ગયાં.
નાગડો પડેલો : હાથીના પેટમાં હાથ.
‘આ કોણ ?’
‘જોળાળીનો ! બીજાના ઘાના સાંધા મળે, એના સાંધા ન મળે.’