પૃષ્ઠ:Parkamma.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
: ટાંચણનાં પાનાં
૪૫
 


કોયડો નાખવો ને કોયડો છોડવો ! ટાંચણ–પોથીના નવા પાનામાં જેઠા રાવળે જ ઉતરાવેલ આ સમસ્યા-ગીત છે :

ચડી નાર પુરષ પર અભેરૂપ ધરવા સરસ,
બરાબર સમાધિ કરી બેઠી;
માનવી કારીગર લોક એને મળ્યાં;
હુકમથી ઉતારી માંડ હેઠી.

ઉતારી હેઠ ત્યાં સત ચડિયું અતિ
અગનમાં બળવા કરી આશા;
બળીને અગનથી નીકળી બારણે.
રૂપ જોઈ’જોગેસર તરત રાચ્યા.

સ્વરૂપે ઠીક ને વળી નગન છે સદા,
ભજે સર ઉપરે છત્ર ભારી;
રાતદન હુતાશણ આ’ર કરતી રહે,
નામ કો’ કાળુભા ! કવણ નારી ?

કોઈક ચારણ કાળુભા ઠાકોરને સમસ્યા પૂછે છે : પુરુષ પર ચડીને અભય રૂપ ધરવા સમાધિ ધરીને બેઠેલી, પછી કારીગરે માંડ નીચે ઉતારેલી, પછી સત ચડવાથી અગ્નિમાં બળવા બેઠેલી, બળીને બહાર નીકળેલી, પોતાના રૂપથી જોગંદરોને મોહાવનારી, સદા નગ્ન, શિર પર છત્ર ધરનારી, અને રાતદિન હુતાશનનો જ આહાર કરનારી એ નારી કોણ ?

—એ નારી તે ચલમ ! ચાકળારૂપ પુરુષ પર ચડી, નિભાડાના અગ્નિમાં બેઠી, સુંદરી જેવી ગૌરાંગી બની, જોગીઓએ પીવા લીધી, એનો આહાર પણ સદા અગ્નિ જ છે.