પૃષ્ઠ:Parkamma.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
:ટાંચણનાં પાનાં
૪૯
 


સ્મરણ છે. મહેમાન ગુજરી ગયા. જમાદાર ત્રિપુરાશંકર ભટ્ટની મોટી, રૂપાળી, મર્માળી, મીઠાબોલી, જોબનવંતી પુત્રી કુમુદબહેન રંડાણી. તે દિવસનાં જે કુમુદબહેન હતાં તે જ હતાં બગસરા–ફોજદાર ત્રિપુરાશંકરને પિતા-ઘેર રહેતાં કુમુદબહેન, ને તે જ હતાં ગોધરાના પોલીસ-ઉપરી સાહેબનો બંગલો અજવાળતાં કુમુદબહેન. ત્રેવીસ-ચોવીસ વર્ષનો આખો સ્મરણપ્રદેશ એ એકનાં એક ગરવા, હેતાળવાં, હસમુખાં, વાતડાહ્યાં, પ્રસન્ન અને પ્રશાંત કુમુદબહેનના લાવણ્યે લળકી રહ્યો છે.

ઘણાં વર્ષે મળ્યાં. એ સૌની જીભે ‘ઝવેરચંદ’ નહિ પણ ‘ઝવો’ સંબોધન જ અણબદલ્યું રહ્યું હતું. (આજે પણ કરાચીથી કેપ્ટન ડૉ. સી. પી. ભટ્ટના કાગળો ‘વહાલા ઝવા !’ થી શરૂ થાય છે.)

સાહિત્યસભાનો મારો સમારંભ પતી ગયો. મોડી રાતે સૌ ઘેર આવ્યાં, પણ ઊંઘ કોને આવે ? મેં ઘણું ઘણું ગાઈ સંભળાવ્યું, અને રાણાવાવમાં વર્ષો સુધી કાકાને ઘેર રહેલાં કુમુદબહેને મને ઉપર જે ટાંચણ કર્યું છે તે નથુની વહુની વાત કહી. એમના સ્વાનુભવની એ વાત. વાર્તા નહિ, પણ બનેલો કિસ્સો. એમણે મારી કલ્પનાને નથુની વહુ આપી. ફક્ત એનું નામ ‘રૂપી’ મેં પાડ્યું. ‘ઓળીપો’ મારી એક સારી કૃતિ ગણાય છે. એ જો સારી બની શકી હોય તો તેનું કારણ એની પાર્શ્વભૂ છે. એ પાર્શ્વભૂ છે કુમુદબહેન. કુમુદબહેનને બદલે કોઈ ચારણે–રાવળે કહી હોત તો એને મારામાંથી આવું શિલ્પવિધાન ન મળ્યું હોત. ટૂંકી ને ટચ વાતમાં કુમુદબહેને પોતાનું વૈધવ્યકરુણ માધુર્ય મૂકી આપ્યું. રાતના ત્રણેક વાગે હું કુમુદબહેને કહ્યા તે ‘ઓળીપો’ના બોલ લઇને સૂતો. ને હવે તો કુમુદબહેન આ સંસાર છોડી ગયાં છે, પણ રસધાર ભાગ ચોથાની વાર્તા ‘ઓળીપો’ અને ટાંચણ પોથીનું આ કાળી શાહીએ લખેલ ટૂંકુ પાનું પરલોકવાસી કુમુદબહેનની ને મારી વચ્ચેની સ્મરણ-કડી બની રહેશે.