પૃષ્ઠ:Parkamma.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૦
પરકમ્મા :
 

એણે શો જવાબ દીધો? બારેએ સાથે જ જીવવા-મરવાનાં લીધેલ વ્રતને યાદ આપીને એણે માણસોને કહ્યું કે, ‘એ ભાઈ ! તે દિ’ છોડીયું છબે નો’તી રમી, પણ મરદુએ મોતનાં કાંડા બાંધ્યાંતાં?’ એ પાલરવનો વાક્ય-પ્રયોગ.

પાંચેક વર્ષથી ડોકાયા નથી. હવે તો આશા પણ નથી. છેલ્લા મેળાપને ટાણે જ શ્વાસ કેવળ છાતીને વળગી રહ્યો હતો.

ખાંભીઓ જુહારું છું

આ ટાંચણ-પોથીમાંથી આવાં મારાં સ્વજનોની સમાધોને ખોળતો ખોળતો તેમની ખાંભીઓને જુહારતો જાઉં છું. પોતાનાં મૃતપિતૃઓ પ્રિય જનની કબર પર સંજવારી કાઢવાના ચીનીજનો પવિત્ર પ્રિય કાર્ય જેવું જ આજે કરી રહ્યો છું. કબરો વાળું છું. વાળતાં વાળતાં જે કાંઈ સાહિત્યસામગ્રી હાથ આવે છે, તે આજ પર્યંત અપ્રકટ રહેલી સાહિત્યસંપત્તિ છે. અપ્રકટ છે તેને પહેલી જ વાર પ્રકટ કરું છું. બીજી કોઈ રીતે વાપરી નથી શક્યો, સંકલનામાં મૂકી નથી શક્યો, મૂકી હોત તો વાંચકોને રસ ન પડત. આજે રસ પડે છે કારણ કે વાચકના મનોજગતમાં હું આટલાં વર્ષોથી ભૂમિકા બાંધતો આવું છું. આજે એ ખેડાયેલ, ભીની બનેલ ભોંય પર આ બીયાં પડે છે. એટલે જ ઉગાવો થાય છે, નહિ તો શો રસ પડત આ ભેંસના ચારણી કાવ્ય-વર્ણનમાં ?—

પાતાળની પદમણી

ઘડલ એક ટપલા તણી અંગે નમણી ઘણી,
સધર ધૂન માદણામાંય સેલી;
ચડાવલ ખાખ ગોરખનાથવાળી છટા
શૌર પર ચાલી અબધૂત-ચેલી.
 
ફાંટ એક વ્રાકને તોળ મેંગળ ફરે,
જમીં પર પોતરી નાગ જાણી;