પૃષ્ઠ:Parkamma.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


નફકરાઈમાં લખવાને ટેવાયો ન હોઈને આ બધો કુટારો સાત જનવારે પણ બંદા ન કરત ! આ તો તકદીર બોચી ઝાલીને પાણીમાં ઝીંકે છે તેને જ આભારી છે.

આનો ઘાટ એક આત્મકથા જેવો ઊતર્યો છે. પણ એ લેખકની આત્મકથા નથી (એવી કોઈ છેડતી સાંખી લેવા આત્મજીવન તૈયાર પણ નથી) આ તો છે મારા વિષયની–લોકસાહિત્યની શોધનકથા. ‘ઊર્મિ’ના વાચકોએ, વિદ્વાનો કે સામાન્યોના ભેદ વિના આ વાચનમાં રસ લીધો છે. જનસામાન્યને એમાં ભરપૂર પડેલા કથાપ્રસંગો રસપ્રદ થયા છે, અને અભ્યાસીઓને એમાં પ્રકટ થતી મારી શેાધન-પદ્ધતિની વિગતો થકી આનંદ ઊપજ્યો છે.

આવો લેખનપ્રકાર બીજા કોઈ માણસે ખેડ્યો હોવાનું જાણ્યું નથી. એની અભિનવતા એ એનો ગુણ છે કે દોષ તે તો ખબર નથી. અભિનવતાનું ગુમાન આ આલેખનની પ્રેરણા રૂપ નથી, પણ પચીસેક વર્ષ સુધી જે મારાં પરિભ્રમણોનું ધામ હતું તે ગિરિશૃંગમાલાની ફરતો એક વાર માનસિક ચક્કર લગાવતો જાઉં એ એક જ તરંગને આભારી આ કાર્ય છે.

બોટાદ
૧૨ : ૨ : ’૪૬
ઝવેરચંદ મેઘાણી