પૃષ્ઠ:Parkamma.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
: પ્રયાણ બીજું
૭૩
 

 એકલા નથી. ઘણા પિતાઓ એ સંક્રાંતિ-યુગની ચાબાઇ ચાંપલાઈના ભોગ બન્યા હતા અને સુધારાની શિલા તળે તેમની પત્નીઓ પુત્રીઓની કૈંક હૃદયોર્મિઓ ચેપાઈ પણ ગઈ છે.

ચેપાયેલી એવી ઉર્મિઓ એ ઘરમાં ફરી એકવાર મહેકી ગઈ, અને કોણ જાણે કેટલાં વર્ષોના બોજ ફગાવીને માસીજી સાંકળીબાઇના યૌવનકાળનું સંઘરેલ આ ચાકરી–ગીત બહાર આવ્યું—

કોરે મોરે લખીયું છે સો સો સલામું રે
વચાળે વેરણ ચાકરી રે લોલ.

એ રાજ-ચાકરીને તેડે ચાલી નીકળવાનું આખા કુટુંબમાંથી એકલા એક વચેટ દીકરાને માથે જ મુકાયું. ને એ ચાકરીની તો જેટલાં પીપળનાં પાંદડાં તેટલી લાંબી અવધઃ એ સમજનારી વચેટ વહુએ ‘અલબેલા’ને ઉગારવા બહુ જીકર કરી, પણ છેવટે એને જ જવું પડ્યું. ઘરના બીજા તો નાનામોટા સર્વ મરદોને માટે બહાનાં હતાં, નહોતું એક વચેટને. શું કુટુંબમાં કે શું સમાજમાં, ઘરમાં તેમજ વિશ્વમાં, વચેટને-વ્યકિતને અને વર્ગને જ હિસ્સે સંતાપો સરજાયા છે.

એ સૈનિકનું ગીત છે; અને આજે જગતમાં સૌથી વધુ વેધક કરુણતા લાખો સૈનિકોનાં દિલદર્દની છે, વર્તમાનને કલેજે આ ‘વેરણ ચાકરી’નું ગીત એ ‘કોન્સ્ક્રીપ્શન’નું ગીત બને છે, રોટીને કાજે ખેતી મજૂરી છોડી લશ્કરી ભરતીમાં ચાલી નીકળનારાઓનું ગીત બની રહે છે. છ છ વર્ષો સુધી જેમણે ઘરનાં દર્શન કર્યાં નથી તેવા લાખોની ગોરીઓ પીપળનાં પાંદ ગણતી આજ બેઠી હશે. એ પાંદ-ગણતરીનો પાર આવનાર નથી. ‘વેરણ ચાકરી’ને તેડે ચાલ્યા ગયેલાઓમાંથી જે અનેકની ગોરીઓ ‘અલબેલા’ને બદલે મરી પરવારેલા અલબેલાઓની વીરતાના ચાંદચંદ્રકોની નવાજેશ પામી રહી છે તેમનાં સર્વનાં કાળજાની કોરે લખાયેલું આ લેકગીત છે.