પૃષ્ઠ:Parkamma.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
: પ્રયાણ બીજું
૭૫
 

 સો–પાંચસો વર્ષો પૂર્વેના એકાદ લોકગીત, લોકવાર્તા કે ચારણ-કાવ્યનાં ટાંચણ પર માનસી મહેલાતો ચણનારો તું, શું એ યુગપુરુષનાં તે કાળે પામેલ પ્રાણવંત દર્શનમાં ઘડી બઘડીનો અખબારી પ્રતિનિધિ જ રહી શક્યો હતો ? નજીક બેસીને તેં નિહાળ્યા હતા રાજ લાખાજીને; લોકપ્રતિનિધિ પ્રમુખની બાજુમાં જ એક સાદી સુશોભનહીન ખુરશી ઉપર બેઠેલા : સર્વ લોકસભ્યોના સમોવડ સમા, સંયમવંત જવાબો દેતા, શિસ્તથી પ્રશ્નો સાંભળતા અને ઉડાઉવેડાથી અલિપ્ત; પ્રશ્ને પ્રશ્ને વિચારવા થોભતા : અને વાણીની તો વિનયમૂર્તિ : હે સાહિત્યકાર ! બે સદી પૂર્વેના ઠાકોર વજેસંગ, ચારસો સાલ આગળનો અજો જામ અને તારા સમરાંગણનો વીર મુઝફ્ફર નહનૂ, એ જેટલા તારી કલ્પનામાં જીવન્ત છે તેટલા જ પ્રાણવંત આ પ્રવીણસાગરના સર્જક રાજવી-શાયર મહેરામણજીના કુલદીપક લાખાજીરાજ નહોતા શું ? વાંચ – અમને ઉપર ઉપરથી તો જરા ઉકેલ !—

ઠાકોર સાહેબ પોતે બહુ જ મહત્ત્વાભિલાષી. રાજકોટને બેલ્જીઅમ કે સ્વિટ્ઝરલાંડ બનાવવું. એટલે સુધી કે અહીંથી માલ બનાવી પરદેશ કાં ન ચડાવાય !

વિધવાઓને માટે ગોઠવણ કરવા મ્યુનિસિપાલિટીને ખાસ સંભારી આપે. ઈન્ડસ્ટ્રી નામ પાછળ તો ઘેલા. ઠગાઇ જાય. તાતાના જેવું કારખાનું અહીં કાઢવાના કોડ.

એવી અવ્યવહારુ યોજનાની પણ ધૂન……

લોભી નથી અને છે પણ.

૧. કીંડર ગાર્ટનની ૪૦ શાળા કરો.

૨. ડ્રેનેજ કરો, ભલે ૩ લાખ બેસે.

૩. પગારો સારા. સારી પેઠે સ્ટાફ. ફરતા વૈદો, ફરતા ન્યાયાધીશો, તળાવને ભર ચોમાસામાં સમરાવવું, ભલે ખર્ચ થાય

એમનો સિદ્ધાંત – ‘ગ્રેટર રાજકોટ’ બનાવવું.