પૃષ્ઠ:Parkamma.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૪
પરકમ્મા :
 


કણબણ ભોંઠી પડી ગઈ. અરે મને જૂઠી પાડી : અલ્યા મહિનો મહિનો ખાછ પીછ, ને આજ મા આવી છે એટલે મરડાછ ? ખાછ કે નહિ ? નહિ ખા તો માને ખબર શું પડે મેં ખવરાવ્યું’તું કે ભૂ રાખ્યો’તો ? ખાઈ લેછ કે નીકર લાકડી લઉં ?’

ને લાલજી પ્રત્યક્ષ થયા. બાળ ભગવાને ડાહ્યા ડમરા થઈ જમી લીધું.

નાની ને મોટી આવી કથાઓ દ્વારા એક જ સત્ય ઠસાવવા આપણી સંસ્કૃતિ મથી રહી છે, કે સાચી ઈશોપાસના શ્રમજીવન છે, શ્રમીને જ દેવ ત્રૂઠે છે, નર્યા દમીને નહિ. સંસારના ભાર ઉપાડવાની વૃત્તિ હમેશાં ધન્યવાદને પામી છે. દેવને ગમે છે પાર્થિવ જીવનમાં જ રચેલાં પચેલાં સરલહૃદયી શ્રદ્ધાળુ માનવોની વચ્ચે બેસણાં.

ભાદો કેમ કુટાય છે?

આ વિચારનું જ જાણે સમર્થન કરતું હોય તેમ એક ટાંચણ–પાનું આવી મળે છે. આજે મારા ઘર પાસેની શેરીઓમાં સાંજ પડે છે ને છોકરીઓ દેદો કૂટવાની રમતો રમે છે. મોળાકત વ્રત (અલૂણા વ્રત) નજીક આવી રહ્યું છે. આ દેદા–કૂટણ શું છે ? દેદાજી તે કોઈ ક્ષત્રિય વીર થઈ ગયા છે. પણ ભેળો ભાદો ભરવાડ પણ કુટાતો લાગે છે. ટાંચણ બોલે છે કે—

ભાદો હતો ભરવાડ.

એને ઘણી ગાયો.

એક દા'ડો ભાદો ચારીને આવ્યો. ગયો ઝોકમાં. ગ્રામ. વગડામાંથી ગાયું આવીયું, ભૂરાયું થઇયું થયું. ભાદાને કચરી નાખ્યો.

જીવ ન જાય, કારણ કે કુંવારો. પરણવામાં જીવ રહી ગયો છે.

શું કરીએ ?

જા ભાદા, જીવને ગતે કરજે. જેટલી કુંવારિયું છે ઇ માતર તને કૂટશે.

ભાદાએ ગત પામીને પ્રાણ છોડ્યા.

આજ વર્ષોવર્ષ કુંવારી કન્યાઓ વીર દેદાને અને વાંઢા ભાદાને કૂટે છે.