પૃષ્ઠ:Parkamma.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૬
પરકમ્મા :
 


એક ઘા ને ઢગલો.
એક ઘા ને બીજો ન માગે.
એક ઘા ને રામ રામ !
એક ઘા ને ફારગતી.

ઉપલું ટાંચણ, એ પણ પેલા ચીતળ પાસેના પાણકાના ઢગલાની પઠે, મારા ચારણ સ્નેહી સ્વ. ગગુભાઈ નીલા સનાળીવાળાનો ચગલો છે. મને ભેટ્યા ૧૯૨૫માં; ને તે પણ હડાળા દરબારશ્રી વાજસૂરવાળાના સૌજન્યથી. ગગુભાઈ કાઠી દરબારોની જ કચેરીઓનું કંકણ, બીજે ક્યાંય જાય નહિ. લોકો કહેતા કે મોટો માણસ છે. પણ હડાળાના દરબારગઢમાં મેં ગગુભાઈને સાચા ઓળખ્યા. એક દિવસમાં તો દિલ દઈ દીધું. બેસતાં, સૂતાં, ખાતાં પીતાં, હરતાં ને ફરતાં ગગુભાઈની રસના રેલતી જ રહી. વાતો કહેતાં કહેતાં, વિરામે વિરામે, ‘પછી તો ઝવેરભાઈ !’ એ એમનો પ્રિય ટૌકો.

ગળું જાડું, ગાવા જોગ નહિ. જાતે કદી રચતા નહોતા. વાતું કહ્યા જ કરતા. મેઘની ધારાઓ છૂટે તેમ વાગ્ધારા છુટે. શૌર્યની, દાતારવટીની, પ્રેમની, વૈરની, ખાનદાનીની, મારવાડથી માંડી સોરઠના કૂબા–નેહડા લગીની વાતો કહેતા, ને કહેતા કહેતા પોતે રોમાંચિત બનતા.

દરબારશ્રી વાજસૂરવાળા તો ડહાપણના દરિયાવ. કહે કે આ ભાઈમાં અને લાઠીરાજ કલાપી પાસે જે એના કાકા સામતભાઈ ગઢવી હતા તેમનામાં મોટો તફાવત. ગગુભાઈ પોતાના કથનની વીર–કરુણ ઊર્મિઓમાં પોતે પણ ઘસડાઈ જાય છે. એ કલાકારની ન્યૂનતા છે. સામતભાઈ વાતો માંડતા ત્યારે પોતાના શ્રોતાઓને વિવિધ રસે ઉલ્લસિત કરતા જતા, રડાવતા, હસાવતા, શૌર્યનો પાનો ચડાવતા, છતાં પોતે તો પૂર્ણ સ્વસ્થતાથી નિરૂપણ કર્યે જતા. ગળામાં રૂદ્રાક્ષના પારાની મોટી એક માળા પહેરતા તેને હાથમાં ઝાલી, અક્કેક પારો ટપ ટપ પડતો મૂકતા જાય ને વાર્તાને આગળ ચલાવતા આવે. એ માળાના પારાની ગતિ સિવાય અન્ય કોઈ