પૃષ્ઠ:Patra Lalsa.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯ર પત્રલાલસા
 


'તને મારે ત્યાં મોકલશે ?’ મંજરી વાતોમાં દોરાઈ.

'કેમ નહિ ? બાપાજી કાંઈ ના નહિ પાડે. અમે તો બધાંય તમારે ત્યાં આવીએ.' વેલીએ સરળતાથી રસ્તો બતાવ્યો.

મંજરીને પોતાના પિતાની આર્થિક સ્થિતિનો ખ્યાલ આવ્યો. આ સરળતાથી વાત કરતી વેલીના જીવનમાં આર્થિક પ્રશ્ન ઉદ્ભવે એમ હતું જ નહિ, એ પ્રશ્ન હજી તેની વિચારસૃષ્ટિની બહાર હતો. પરંતુ મંજરીને તો તે નિત્યનો પ્રશ્ન હતો, પિતાની પ્રથમ જેવી સ્થિતિ હોત તો તે કેવી સહેલાઈથી વ્યોમેશચંદ્રના ચાર છોકરાંને બોલાવી પોતાની પાસે રાખી શકત ? એ પ્રશ્ન ઉદ્દભવતા તેનું મોં સહજ ઊતરી ગયું.

'અમે આવીએ તે નહિ ગમે ?' વેલીએ પૂછ્યું.

‘શા માટે નહિ ?' મંજરીની ગ્લાનિ બાલિકાની નિર્દોષ વૃત્તિએ દૂર કરી. 'જરૂર. જ્યારે જ્યારે મન થાય ત્યારે ત્યારે મારે ત્યાં રમવાને આવજો, હું બહુ રમતો બતાવીશ, હોં !'

વેલી ખુશ થઈ ગઈ અને મંજરીની આંગળી જોરથી પકડી દબાવવા લાગી. વ્યોમેશચંદ્રનું મકાન આવતાં વેલી દોડતી દોડતી આગળ ગઈ અને મંજરી આવ્યાની ખબર તેણે બધાંને આપી.

પડી ગયેલા છોકરાને વ્યોમેશચંદ્રની પાસે સુવાડ્યો હતો. પિતાનું હૃદય અતિશય દ્રવતું હતું. નંદકુંવરની રાહ જોઈ બેઠેલા વ્યોમેશચંદ્રને મંજરી આવ્યાની ખબર પડતાં ઘણી નવાઈ લાગી. પરંતુ એ નવાઈ અણગમતી નહોતી.

વેલી મંજરીને પોતાના ભાઈ પાસે લઈ ગઈ. છોકરાની મૂર્છા વળી હતી. તેને ગમે તેમ બાંધેલા પાટા છોડી મંજરીએ ઠીક કરી બાંધી આપ્યા.

છોકરાને કરાર વળ્યો. બહુ દિવસથી માતાની સારવાર ભૂલેલા બાળકને મંજરીની ભાવભરી સારવારથી કોઈ અજબ સંતોષ વળ્યો. છોકરો મંજરીના મુખ સામું જોયા જ કરતો હતો. વેલી તો મંજરીની આસપાસ ઝઝૂમી જ રહેતી. કાંઈ પણ લાગ મળે એટલે મંજરીના શરીરને તે અડકી લેતી. બાળકીને મંજરીનો મોહ જ લાગ્યો હતો. આમ ઘણું ઝઝુમવાથી મંજરી કંટાળશે એમ ધારી વ્યોમેશચંદ્રે વેલીને દૂર ખસવા જણાવ્યું.

'વેલી ! જરા દૂર બેસ. ઘડી ઘડી અડ્યા ન કરીએ.' વ્યોમેશે કહ્યું.

મંજરીએ આટલી બધી વાર વ્યોમેશચંદ્ર અત્યંત નજીક હોવા છતાં તેના તરફ દ્રષ્ટિ પણ કરી નહોતી. તેને અતિશય વિચિત્ર અનુભવ થયા કરતો હતો. તેની ખાતરી હતી કે વ્યોમેશચંદ્રની નજર તેના ઉપર સતત