પૃષ્ઠ:Patra Lalsa.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭
મંજરીનું લગ્ન

જરા બાલાને બળતી બચાવો, સજ્જન !
નાનાલાલ


તે ઘેર આવી ત્યારે ટપાલીએ નાખેલા કાગળો મેડીમાં પડેલા તેણે જોયા. તેની નિરાશાનો પાર નહોતો. માનવ જાતની નિર્બળતા સૂચવતી નિરાશામાં પણ છુપેલી છેવટની આશા મંજરીને છોડતી નહિ. કાગળો તેણે બહુ જ આતુરતાથી ઊંચકી લીધાં. પરંતુ તેણે ધારેલો એક પણ કાગળ તેના જોવામાં ન આવ્યો.

‘શાનો કાગળ આવે ? મારે અને તેને શું છે ?'

નિસાસો નાખતી મંજરી બબડી. મંજરીને લાગ્યું કે સનાતનના પ્રસંગવશાત્ અપાયેલા વચનમાં સત્યવાદી હરિશ્ચંદ્રના પણનો આગ્રહ જોવાની આશા રાખવી એ ભૂલભરેલું છે. જગતમાં ઘણાં વચનો પાળવા ખાતર અપાતાં નથી. વચનભંગ એ સામાન્ય ક્રમ છે, અને તેથી કોઈએ નવાઈ પામવાની નથી.

ઉપર જઈ જુએ છે તો તેની સખી માલતી નંદકુંવર પાસે બેસી વાત કરતી તેણે દીઠી. માલતી તે દિવસે સનાતનનું ભૂંડું બોલી હતી એટલે તેને માલતી પ્રત્યે એક જાતનો અણગમો આવ્યો હતો. છતાં વખત બેવખત માલતી આવતી ત્યારે વાતો કરવામાં તેનો જીવ પરોવાતો.

માલતીને લઈ મંજરી પોતાની ઓરડીમાં ગઈ. કંઈક નવાઈની વાત કહેવાની હોય એમ તેના મુખ ઉપરથી લાગતું હતું. છેવટે તેણે જે કહેવાનું હતું તે કહી દીધું.

'હું તને નહોતી કહેતી ? મુંબઈમાં તો એક લાલચ મૂકી એટલે બીજી આગળ જ આવવાની.'

'પણ તેમાં મારે શું ?' મંજરીએ કહ્યું.

'હું જાણે કશું સમજતી જ નહિ હોઉં !' માલતીએ પોતાના સ્ત્રીહૃદયના જ્ઞાનની વડાઈ બતાવી કહ્યું: 'હું જાણું છું. તારો જીવ હજી પેલા સનાતનમાં ભરાઈ રહ્યો છે. પણ બહેન ! પરદેશીઓનો ભરોંસો નહિ.'