પૃષ્ઠ:Patra Lalsa.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૬ : પત્રલાલસા
 

પાર જ ન રહ્યો. તેને લાગ્યું કે તેનું ગયેલું સુખ પાછું મળે છે. અલબત્ત, એક ડંખ તેને લાગ્યા કરતો હતો. એ ડંખ તે કદી પણ ફરી ન પરણવાનું પોતાની ગત પત્નીને આપેલું વચન.

પરંતુ બીજા દુઃખના પ્રમાણમાં વચનભંગ થયાનું દુઃખ બાજુએ મૂકવા જેવું હતું. એ જ ગત પત્નીનાં બાળકો દુઃખી થતાં હતાં એટલે છેવટે બધી મુશ્કેલીઓ બાજુએ મૂકી વ્યોમેશચંદ્રે ઉપકાર સાથે માગણી સ્વીકારી.

મંજરીને ચાંલ્લો થતાં જ તે ચમકી. શા માટે તેને કપાળે બીજા કોઈ ચાંલ્લો કરવા આવ્યાં હતાં ? તેને ખબર પડી : તે બીજા કોઈની પત્ની થવાની હતી. માબાપની મટી કોઈ ત્રાહિત માણસની મિલકત બનવાની હતી. તેને લાગ્યું કે તે સ્વતંત્રતા ખૂએ છે. અને તે કોને હાથે ? વ્યોમેશચંદ્ર તેને કદી ગમ્યા નહોતા. તે ગમે એટલા દેખાવડા હશે, ગમે એટલા સારા સ્વભાવના હશે, ગમે એટલા પૈસાદાર હશે, ગમે એટલી પ્રતિષ્ઠાવાળા હશે, પરંતુ મંજરીને તે કદી ગમ્યા નહોતા.

પરંતુ હવે શો ઈલાજ? તેને શું કહેવાનું હતું ? કદાચ ના પાડે તોપણ શું?

તેનો સનાતન ક્યાં? તેને તો દરકાર ન હતી. તે ગમે ત્યાં ફરતો હતો. ગમે તેવું વર્તન રાખતો હતો. કદાચ તે મંજરીને ભૂલી પણ કેમ ન ગયો હોય ? અરે પણ લગ્ન કરવાનો વિચાર કર્યો હતો - કદાચ તે પરણી પણ કેમ ન ગયો હોય ?

તેને કપાળે કુમકુમ અડકતાં તે થથરી ગઈ. તેના અંતરમાંથી પોકાર ઊઠ્યો : સનાતન ! સનાતન !

છતાં ચાંલ્લો તો બીજાનો જ હતો. વ્યોમેશચંદ્ર સાથે તેનો વિવાહ મળ્યો અને થોડા વખતમાં તેનાં લગ્ન પણ થઈ ગયાં.

તેનાથી હસાયું નહિ. કોને માટે ? શાને માટે તે હસે ? પરંતુ તેનાથી રડાયું પણ નહિ. પત્ર આવ્યો હોત તો તો તે સનાતન માટે રડી શકત. અને લગ્નની ના પાડી શકત. પરંતુ સનાતન ક્યાં ? તેનો પત્ર ક્યાં ? પત્રલાલસા અતૃપ્ત જ રહી, અને જડ હૃદય અને જડ દેહ બનાવી તે પરણી તે દિવસથી તેના મુખ ઉપર પણ એક પ્રકારની જડતા આવી ગઈ. મુખ ઉપર પણ ચંચળતા બાળકો જ ઉપજાવી શકતાં - બીજું કોઈ નહિ.