પૃષ્ઠ:Patra Lalsa.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૮ : પત્ર લાલસા
 


'સરખામણી ન થાય એવી વસ્તુઓને આપ સરખાવવા માગો છો ?' સનાતને જવાબ આપ્યો. સંગીતનો તે એટલો બધો અંધભક્ત નહોતો થઈ ગયો કે પોતાના ભણતર અને સંસ્કારને સંગીત સાથે સરખાવી તે વખોડી કાઢે.

'હું બરાબર સરખામણી કરું છું.’ વાદવિવાદમાં કદી પણ પોતાનો પરાજય ન સ્વીકારનાર વૃદ્ધે જણાવ્યું. 'જો, હવે તને પૂછીશ એટલે સરખામણી તનેય સમજાશે. ઈશ્વર તને બેમાંથી એક વસ્તુ પસંદ કરવા હુકમ કરે અને જણાવે કે કાં તો સોહિણી રાગ પસંદ કર, અગર તર્કશાસ્ત્રનો એક સિદ્ધાંત પસંદ કર. બેમાંથી એક મળશે; બંને નહિ મળે. તો કહે, તું શું પસંદ કરીશ ? સોહિણી કે સિદ્ધાંત ?'

સનાતન આ વિચિત્ર દલીલ સાંભળી હસ્યો, તેણે કબૂલ કર્યું કે તે સિદ્ધાંતનો ભોગ આપી સોહિણીને જરૂર પસંદ કરે.

ચિતરંજને ફરી તેની પીઠ થાબડી.

‘શાબાશ ! હવે તું દુનિયા બરાબર જોઈ શકશે. તમારી શાળાઓ અને પાઠશાળાઓમાં સંગિતરહિત અપાતું જ્ઞાન કેવું શુષ્ક અને જીવ વગરનું છે એ તું સમજ્યો ?' ચિંતરંજને પૂછ્યું.

અલબત્ત, વર્તમાન શિક્ષણની આ ખામી સનાતનને કબૂલ કર્યા સિવાય ચાલે એમ જ નહોતું.

‘હવે ત્યારે તું દુનિયામાં ઝુકાવ.' ચિતરંજને કહ્યું. 'તારે અઢળક પૈસો જોઈએ છે, નહિ ?'

'હા, હા. હાલ તો એ જ મારી મનોકામના છે.' સનાતને જવાબ આપ્યો.

'જો, તારી મનોકામના સફળ થાય એવો રસ્તો મેં ખોળ્યો છે. આ ચિઠ્ઠી લઈ તું દરિયા પરના બંગલા ઉપર જા. તારી બુદ્ધિ અને તારા સંગીત ઉપર વિશ્વાસ રાખજે. તને પોતાને નવાઈ લાગે એટલી મુદતમાં તું લાખો રૂપિયા કમાઈશ.'

સનાતનને તેણે કામઠેકાણું બતાવ્યું, ચિઠ્ઠી આપી, અને સાથે સાથે સૂચના આપી :

'સનાતન ! જોજે. સ્ત્રીઓથી સંભાળજે. દુનિયામાં ભારેમાં ભારે લાભ પણ સ્ત્રીની લતથી થાય છે અને તેવા જ ગેરલાભ પણ સ્ત્રીની લતથી થાય છે.'

સનાતન ખુશ થતો બતાવેલી જગાએ ગયો.