પૃષ્ઠ:Patra Lalsa.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૦: પત્રલાલસા
 

અને આવા અમલદાર હોત તો કેવું સારું ? તેઓ બની શકે તો પોતાની સ્થિતિની અદલાબદલી પણ કરવા તૈયાર થાય. પરંતુ પોલીસ કમિશનર કે ન્યાયાધીશ થવું અને ધનવાન શેઠ બનવું એ બેમાં જુદા પ્રકારની જ આવડતનો ખપ છે.

તેમની ખાસ ઈચ્છા એ હતી કે પોતાનો મદનલાલ વિલાયત જઈ ખૂબ ભણી આવે, સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી કોઈ કલેક્ટરનો અધિકાર ભોગવે. બેરિસ્ટર થઈ ન્યાયાસન ઉપર વિરાજમાન થાય. અગર છેવટે બીજું કાંઈ નહિ તો સારો ઝભ્ભો પહેરી કૉલેજના વિદ્યાર્થીઓ ઉપર છાપ પાડતો પ્રોફેસર પણ થાય તો પોતાની મિલકત સફળ થઈ ગણાય.

પરંતુ મદનલાલથી પોતાના પિતાની એ ઇચ્છા સફળ કરી શકાઈ નહિ. બેત્રણ પેઢીથી સુખ-વૈભવમાં ઊછરેલાં કુટુંબો વિદ્યાભ્યાસને પ્રતિકૂળ વાતાવરણ ઊભું કરે છે. પૈસાદારોને સામાન્યવર્ગ કરતાં ગરમી વધારે લાગે છે તેમ શરદી પણ વધારે લાગે છે. મહેનત અને થાક તેમની સામે એટલાં અથડાયાં કરે છે કે આરામની ઝંખના વધી જાય છે, અને આરામની શોધખોળમાં વિદ્યાભ્યાસ વીસરાઈ જાય છે.

મદનલાલને તૈયાર કરવા માટે એક નિશાળ ચલાવી શકાય એટલા શિક્ષકો રાખવામાં આવ્યા હતા; વિલાયત મોકલી બહુ જ બાહોશ રક્ષકના હાથતળે તાલીમ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓ બેરિસ્ટર કે બી.એ. તો ન થયા, પરંતુ સિગાર-ચિરૂટની આદત ઉમેરતા ચાલ્યા. કપડાં વખત વખતનાં કેવી સફાઈથી પહેરવાં જોઈએ તેનો એમને અંગ્રેજો કરતાં પણ વધારે સારો ખ્યાલ હતો, સભ્ય સમાજમાં કેમ બોલવું બેસવું વગેરે શિષ્ટાચાર તેઓ ઘણો જાણી લાવ્યા. વિલાયતથી આવ્યા બાદ તેઓ અમુક ઢબે હસતા. અમુક પ્રકારની મશ્કરી વખતે હસતા હોઠનો ડાબો ભાગ અમુક હદ સુધી જ વધવો જોઈએ, જમણી બાજુએ હસવું હોય તો કટાક્ષનો પ્રકાર જુદો જ હોવો જોઈએ, અને બંને બાજુથી હોઠને વિકસાવવા માટેની બોલી કઈ હશે તે તેઓ જ્યારે તેવા પ્રકારનું હાસ્ય કરે ત્યારે જ સમજાતું. જમતી વખતે હોઠના ખૂણા અમુક ડિગ્રી સુધી જ દોરી શકાય એમ તેમણે ભૂમિતિ ભણીને સિદ્ધાંત સ્થાપ્યો હતો. આમ તેઓ કોઈ વિષયમાં પ્રવીણ તો ન થઈ શક્યા, પરંતુ સારી રીતભાત, સભ્યતા અને શિષ્ટાચારનો સુંદર ઓપ તેમના ઉપર ઓપાયો. તેઓ શુદ્ધ અને સ્પષ્ટ અંગ્રેજી બોલતા થયા, અને સારા અમલદારો સાથે છટાથી વાત કરતા થયા એટલો જ સંતોષ વાળી મદનલાલના પિતા ગુજરી ગયા.

ધન અને સ્થૂલતાને કોણ જાણે કેમ પણ કાંઈ ગાઢ સંબંધ હોય એમ