પૃષ્ઠ:Patra Lalsa.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પૈસાની શોધ : ૧૦૧
 

જણાય છે. સ્થૂલ માનવોની વસ્તીગણતરી કરી, આંકડા તારવી કાઢી હજી કોઈએ કે આ વિષયનો શાસ્ત્રીય રીતે અભ્યાસ નથી કર્યો, પરંતુ વૈદક અને સમાજશાસ્ત્રના અભ્યાસીઓએ આ પ્રશ્નનો ખાસ વિચાર કરવા જેવો છે.

મદનલાલના પિતા પણ સ્થૂલ હતા અને માતા પણ તેવાં જ હતાં. મદનલાલે પોતાનાં માતાપિતાનો એ ગુણ પ્રથમથી જ ગ્રહણ કર્યો હતો. અને તેમાંયે પિતાના ગુજરી ગયા પછી બાપના કરતાં સવાઈ કરનાર ભાગ્યશાળી પુત્રનું માન પામવા તેમની ઇચ્છા હોય એમ તેમનું શરીર તેમણે ઘણું જ વધારી દીધું. અસલથી બહુ સુંદર તો હતા જ નહિ, શ્યામ રંગમાં ઘણા મનુષ્યો સોહામણા લાગે છે. પરંતુ મદનલાલની ચપળ અને ચાલાક આંખો સિવાય તેમના મુખને આકર્ષક બનાવે એવું સમપ્રમાણ તેમના ઘડતરમાં ઘડાયું નહોતું, અને જે કાંઈ સમપ્રમાણ રહ્યું હશે તે પાછલા ભાગમાં ઘસાઈ ગયું.

અત્યારે ચાળીસેક વર્ષની તેમની ઉમર હતી. તેમનાં બે પત્ની તેમની ત્રીસ વર્ષની ઉંમર થતામાં ગુજરી ગયાં હતાં અને એક વર્ષથી તેમણે ત્રીજી વારનું લગ્ન કર્યું હતું. તેમનાં ત્રીજી વારનાં પત્ની કુસુમાવલિ તેમને ગમ્મતમાં જણાવતાં કે ચોથી વારનાં લગ્નનો લહાવો હવે તેમને મળવાનો નથી.