પૃષ્ઠ:Patra Lalsa.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વારાફેરા: ૩
 

ગુમાસ્તાઓ ખોટ બતાવવા લાગ્યા, અને કર્જે નાણાં લેવાવા માંડ્યા.

દરમિયાન તેમને ત્યાં પુત્રીનો જન્મ થયો. સંતતિરહિત પતિપત્નીનાં જીવન ટૂંક મુદતમાં ખાલી ખાલી લાગવા માંડે છે, અને બીજી હજારો વસ્તુઓમાં મન પરોવવાનું સાધન હોય છતાં હસતું બાળક ઘરમાં રમતું ન હોય ત્યાં સુધી હૃદય વિરામ પામતું નથી. દંપતીના આનંદનો પાર જ ન રહ્યો. દીકરીનું નામ મંજરી પાડ્યું.

પરંતુ દિનપ્રતિદિન દીનાનાથની આર્થિક સ્થિતિ ખરાબ થતી ચાલી. લેણદારો નાણા માગતા હતા. વખતસર નાણા ન અપાય તો કૉર્ટે ઘસડતા હતા, અને મોજમાં જીવન વ્યતીત કરનાર દીનાનાથને ચિંતાએ ઘેર્યો. અનેક મનુષ્યો તેઓ પાળતા : હવે તેમને પોતાની પુત્રીને પાળવાના વખતે જ તંગી વેઠવાનો સમય આવ્યો. પડતી હાલત પરખી જનાર સગાંસંબંધીઓ અનુકૂળતાએ ખસતાં થયાં, મિત્રો દિલગીરી બતાવી બેઠા; અને દીનાનાથને પોતાની મિલકત વેચવાનો સમય આવી ગયો.

મિલકત વેચતી વખતે જણાયું કે તેમનું કરજ કેટલું ગંજાવર હતું ! આખા પ્રાંતમાં પ્રતિષ્ઠિત ગણાતા જાગીરદાર દીનાનાથને એક નાનું ઘર, થોડાં ઘરેણાં અને કેટલીક જમીન સિવાય પોતાનાં ગાડી, ઘોડા, હવેલી અને જમીનજાગીરનો મોટો ભાગ વેચી નાખવો પડ્યો.

ગરીબી એ પણ એક મહાદુઃખ છે. તેમાંયે પરાપૂર્વથી ચાલતો આવેલો વૈભવ પોતાની નજરે જતો જોવો અને એ પાછલો વૈભવ સંભારી તંગીમાં દિવસ ગુજારવા એ વજ્રનું હૃદય હોય તો જ બની શકે. પૈસો જતાં જે દુઃખોની પરંપરા ભોગવવી પડે છે, તેની ગરીબો સિવાય ભાગ્યે જ કોઈ કલ્પના કરી શકે એમ છે.

તેમ છતાં ગરીબ હોવું અથવા થવું એ કાંઈ પાપ નથી. ઘર જોઈ પેલા વૃદ્ધના મુખમાંથી પણ ઉદ્દગાર નીકળી ગયો કે 'ગરીબ હોવું અથવા થવું એમાં કાંઈ પાપ છે?'

યુવકે કહ્યું: 'હું રજા લઉં ત્યારે ?'

'બેલાશક ! પરંતુ તમે મને ઘર બતાવવામાં મદદ કરી એ માટે હું તમારો ઉપકાર નહિ માનું તો હું જૂના જમાનાનો જંગલી ઠરીશ. હું અહીં રહેવાનો છું. જરૂર મળજો ભાઈ, હોં ?'

યુવકની આંખ બારી ઉપર ઊભેલી મંજરી તરફ ફરી, પણ તત્કાળ દ્રષ્ટિ વાળી લઈ તે વિનયથી ચાલ્યો ગયો.

‘ભાઈસાહેબ ઘરમાં છે કે બહેન ?' વૃદ્ધ જેવા પુરુષે મંજરીને પૂછ્યું.