પૃષ્ઠ:Patra Lalsa.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શરમાળ પુરુષઃ ૧૦૯
 

આપીશ.'

'જી, હું થોડા દિવસ આપને શીખવીશ, અને પછી આપને મારું શીખવવું ગોઠી જાય તો હું આપને ત્યાં રહેવાની તજવીજ કરીશ.' એમ કહી સનાતને પતાવ્યું.

પગારની વાત તો કુસુમે કાઢી જ નહિ. સનાતનને પણ લાગ્યું કે પગાર સંબંધમાં વાત કરવી એ હલકાઈનું લક્ષણ છે, એટલે તેણે રજા માગી.

કુસુમે તેને જવાની ન છૂટકે હા પાડી, અને સનાતન ત્યાંથી ચાલ્યો.

તેને આ ધનવાન સ્ત્રીનો સ્વભાવ સહજ વિચિત્ર લાગ્યો. સ્ત્રીઓને કેળવણી આપવી જોઈએ એમ સનાતનની પૂરી માન્યતા હતી. પરંતુ તેમની રસિકતા સંતુષ્ટ ન થાય તો શું પરિણામ આવે તેનો વિચાર તેણે કદી કર્યો નહોતો. કેળવણી સ્વતંત્રતા માગી જ લે છે અને એ સ્વતંત્રતા પરાપૂર્વથી ચાલી આવતી રહેણીકહેણી કરતાં કાંઈ નવીન, સુંદર અને આકર્ષક જીવન ઉપજાવે છે. એ જીવનમાં ચોખ્ખી કડક જૂની નીતિ પોતાની કડકાઈ સહજ બાજુએ મૂકે છે.

પરંતુ નીતિને ડર શો ? માટે કેળવણીથી પ્રાપ્ત થતી સ્વતંત્રતા નીતિને ન પોષે ? સનાતને આ પ્રયોગ પૂરો ઉતારવા નિશ્ચય કર્યો અને નિત્ય કુસુમને શીખવવા તેણે જવા માંડ્યું. ચિતરંજન ઘણે દૂર રહેતો હતો એટલે તેને ત્યાં દરરોજ જવું-આવવું ફાવે નહિ એ માટે તેણે એક જુદું મકાન રાખ્યું અને અઠવાડિયામાં એકાદ વખત ચિતરંજન પાસે જઈને તે પોતાની હકીકત કહેતો અને બુલબુલનું ગાન સાંભળી આવતો.

કુસુમનો અભ્યાસ બહુ ઝડપથી વધ્યે જતો હતો. શિક્ષક સારો મળવાથી અંગ્રેજી તેમ જ ગુજરાતી વાંચન બહુ રસભરી રીતે થતું. કુસુમ સનાતનને ઘડી ઘડી પોતાની પાસે રહેવા આગ્રહ કરતી હતી. પરંતુ કોઈ ન સમજાય એવી બીકને લીધે તે રહેવાનું કબૂલ કરતો નહિ.

મદનલાલને તો ઘરમાં રહેવાનો વખત ભાગ્યે જ મળતો. તેની પત્ની કુસુમ સનાતનની વિદ્વત્તાનાં ઘણાં જ વખાણ કર્યે જતી, છતાં ધનમદવાળા મદનલાલ તેનાં વખાણ સાંભળી 'એમ કે ?' 'વાહ !' 'બહુ સારું' એવા એવા જવાબો આપી પોતાની શ્રેષ્ઠતાથી નીચે ઊતરતા નહિ. પૂતળીનાં વખાણ કરતાં બાળકને જોઈ કોઈ મોટી ઉંમરનો મનુષ્ય બાળકને ખુશ રાખવા ખાતર તેના વખાણમાં સામેલ થાય એવો ભાવ મદનલાલ બતાવતા.

કુસુમે કેટલાંક વ્યાખ્યાન કર્યા; લેખો લખ્યા; કવિતાઓ પ્રગટ કરી, અને તે સર્વમાં તેને પ્રશંસા પ્રાપ્ત થઈ. ધનની કુસુમને પરવા ન હતી : તે તેની પાસે અખૂટ હતું એટલે તેને તેની નવાઈ નહોતી. પરંતુ તેના