પૃષ્ઠ:Patra Lalsa.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૦:પત્રલાલસા
 

વ્યાખાનમાં કોઈ સુંદર વાક્યસમૂહ ઉપર તેને તાળીઓ મળતી ત્યારે તે કૃતાર્થ થઈ છે એમ માનતી. કોઈ કવિતાનાં વખાણ કરતું ત્યારે તેના હર્ષનો પાર નહોતો રહેતો. તેના લેખની માગણીઓ કરવામાં આવતી ત્યારે તેને ગર્વ થતો. પરંતુ આ સર્વેમાં સનાતનનો હાથ હતો એ તેનાથી ભૂલાતું નહિ. અને ધીમે ધીમે પોતાનાં વખાણ થાય કે તરત કહેતી : 'જુઓ સનાતન ! તમે સુધાર્યા પ્રમાણે કવિતા મોકલી ત્યારે કેટલી વખણાઈ ?'

મદનલાલની પત્નીને મદનલાલ તરફ આકર્ષણ થવાના પ્રસંગો હતા જ નહિ અને તેમાં સનાતન આવતાં તેની વિદ્વત્તા, રસિકતા, સૌન્દર્ય અને મનને ગમે એવી શરમનો પરિચય થતાં તેમને સનાતનની જ રઢ લાગી.

કુસુમને સનાતનની લાગેલી રઢ અનેક સ્વરૂપે વ્યક્ત થતી. સનાતનને ખુશ રાખવા તે પોતાનો અભ્યાસ પણ બહુ જ સારી રીતે કરતી. સનાતનને પણ આ સ્વરૂપવાન યુવતીમાં ઘણી નવીનતા લાગી, અને તેની રીતભાત, બોલચાલ અને વર્તનમાં નિર્દોષ અને મનોહર ભાસતી સ્વતંત્રતા નિહાળી સ્ત્રીવર્ગ માટે તેને જે માન હતું તે. એકદમ વધી ગયું. પરંતુ તેનું હૃદય સર્વથા સરખામણીમાં પડેલું જ રહેતું.

એક દિવસ બપોર પછી શીખવવા માટે સનાતન આવી મદનલાલના બંગલામાં બેઠો. કુસુમ ઘરમાં નહોતી. મદનલાલ પણ નહોતા. તેણે પાછા જવા વિચાર કર્યો. પરંતુ ઘરમાંથી એક નોકરે જણાવ્યું કે બાઈસાહેબ તેને બેસવાનું કહી ગયાં હતાં. સનાતન બેઠો અને વિચારમાં ઊતરી પડ્યો.

એના વિચારમાંથી મંજરી કદી પણ ખસી નહોતી. તેણે પોતાનો પાછલો ઇતિહાસ સંભાર્યો. મંજરી અને કુસુમની તેણે સરખામણી કરવા માંડી. સાથે સાથે અંધ બુલબુલ પણ સાંભરી. એકનું હૃદયમાધુર્ય, બીજીનું બુદ્ધિચાપલ્ય અને ત્રીજીનું કંઠસૌન્દર્ય એમ ત્રણેની વિશિષ્ટતા તેના મન આગળ તરી આવી. કયું વધારે સારું ? તેને શું વધારે ગમે ? હૃદયને પસંદ કરે કે બુદ્ધિને ? જગતમાં હૃદય તો ઘણાંનાયે સારાં હોય છે, પરંતુ બુદ્ધિની તીવ્રતા વિના સારાં હૃદય પણ વખત જતા અણગમતાં થઈ પડે છે ! પરંતુ મંજરીમાં બુદ્ધિ નથી એમ કોણે કહ્યું? અલબત્ત, કુસુમ જેવી મનોહર ભભક તેનામાં ન હતી. પરંતુ એ અટપટી નવીનતા સદાય સુંદર લાગે ખરી ? તેનો પણ કંટાળો આવે ત્યારે ? બહુ જ આગળ પડનારી બહુ જ બુદ્ધિમાન સ્ત્રીઓ ચોવીસ કલાક પોતાની શક્તિનું પ્રદર્શન કરે તો તેમના હૃદયની કુમાશ ભોગવવાનો અવસર ક્યારે ?

પરંતુ બુલબુલ બિચારી બહુ સારી અને સાદી હતી. તે ગાતી ત્યારે