પૃષ્ઠ:Patra Lalsa.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧
પરિણીત મંજરી

કહીં તું જાય છે દોરી દગાબાજી કરી કિસ્મત !
ભરોસે તેં લઈ શાને આ હરાજી કરી કિસ્મત !
મણિલાલ

મંજરી વ્યોમેશચંદ્ર સાથે પરણી. કહો કે તેને પરણાવી દીધી. માતાપિતા ખુશી થાય એમાં નવાઈ નહોતી. ગામમાં અને ગામમાં પ્રતિષ્ઠિત જમીનદાર અને ધનિકને ઘેર દીકરી અપાય એના જેવું માબાપની દૃષ્ટિએ ઈચ્છવા સરખું બીજું શું હોય ? દીનાનાથ અને નંદકુંવરની જીવનમાંની એક તૃષ્ણા સંતુષ્ટ થઈ.

લોકોને પણ આ વાત ઘણી જ ગમી. સગાંવહાલાં તથા ઓળખીતામાં પણ લગ્ન પ્રશંસાપાત્ર ગણાયું. વ્યોમેશચંદ્રને મંજરી સરખી રૂપ અને ગુણની ભરી પત્ની મળી એથી લોકો વ્યોમેશચંદ્રને મુબારકબાદી આપવા લાગ્યા. મંજરીને વ્યોમેશચંદ્ર સરખો પતિ મળ્યો તેથી મંજરીનાં માતાપિતાને લોકો મુબારકબાદી આપવા માંડ્યા. પરંતુ મંજરીને ધન્ય કહેનાર સખીઓ તો વીલી જ પડી ગઈ. તેણે લગ્નમાં કાંઈ જ હોંશ કે ઉત્સાહ બતાવ્યાં નહિ. માબાપ સમજ્યા કે દીકરીને પોતાનાથી અળગું થવું પડશે એ વિચારે લગ્નમાં ઉમંગ ઓછો થઈ જતો હશે. એવું તો બધીયે દીકરીઓને થાય છે. નંદકુંવરને પોતાનો લગ્નપ્રસંગ યાદ આવ્યો. તેઓ પણ માબાપથી વિખૂટાં પડવાના વિચારે રોતાં જ હતાં ને !

ચિતરંજન માત્ર લગ્નને દિવસે આવી તે ને તે જ દિવસે ચાલ્યો ગયો. દીનાનાથે ઘણોયે આગ્રહ કર્યો, પરંતુ તે રહ્યો નહિ.

‘દીનાનાથ ! લગ્ન કરતા પહેલાં મને પૂછવું તો હતું !' ચિતરંજને જતા પહેલાં જણાવ્યું.

‘તું રખડતો રહ્યો. તને ક્યાં શોધતો આવું ? અને આવા લગ્નમાં પૂછવા જેવું જ શું હોય ? વ્યોમેશચંદ્ર સરખા વર અમારી કોમમાં ક્યાં મળે?' દીનાનાથે પોતાનો બચાવ કર્યો.