પૃષ્ઠ:Patra Lalsa.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨
છેટાં હૃદય

આ રાત પહેલી વરલની માશુકના ઈન્કારની ?
ત્યાં બેવકૂફી કરી ! તુજ જામ કાં ફૂટ્યું નહિ ?
કલાપી

લક્ષ્મી જેવી અનુભવી બાઈને પણ નવાઈ લાગી કે, મંજરીને કોઈ પણ વાત રસ ઉપજાવતી કેમ નથી ? તેને શક પડ્યો કે મંજરી બીજા કોઈને ચહાતી તો નહિ હોય ?

'બહેન ! તમને કેમ અહીં ગમતું નથી ?'

મંજરીએ જવાબ આપ્યો નહિ. ઘરમાં તે ઘણું જ થોડું બોલતી. વધારેમાં વધારે બાળકો સાથે તેની વાત થતી. બીજા કોઈ સાથે તો હા અગર નાથી વધારે શબ્દોનો વ્યય તે કરતી જ નહિ. તેને કોઈ પણ ચીજની માગણી કરવી પડતી નહિ. અને જરૂર હોય તો તે પોતાની જાતે જ કામ કરી લેતી. પોતાની માતા ઘેર બોલાવે ત્યારે જતી. ત્યાં પણ ન છૂટકે જ બોલતી. માતાપિતાને આશ્ચર્ય લાગ્યું કે મંજરીમાં ફેરફાર થાય છે ! શા માટે થાય છે? કોઈ કળી શક્યું નહિ.

માત્ર લક્ષ્મી જેવી ચબરાક બાઈ કારણની શોધમાં બરાબર ઊતરી ગઈ. તેણે મંજરીની બધી હિલચાલો તપાસવા માંડી. તે બેઠી હોય, તે સૂતી હોય, બાળકો સાથે રમતી હોય અગર વાંચતી હોય તોપણ છૂપી રીતે લક્ષ્મી તેના ઉપર નજર રાખતી. તેને કાંઈ ખાસ સ્વાર્થ નહોતો. વ્યોમેશચંદ્ર બીકણ હતા એમ તેના મનમાં ખાતરી થઈ ગઈ હતી, નહિ તો લક્ષ્મીથી તેમને ડરવાનું કારણ શું હતું ? પોતાનાથી ભલે ડરે, પરંતુ મંજરી સાથે સુખમય દિવસો ગુજારવામાં હરકત આવવી ન જોઈએ એમ તે માનતી. એ રીતે પણ તે ઘરમાં માનીતી થઈ શકે એવો પણ તેને લોભ હતો જ. એટલે અનેક રીતે મંજરીનું મન પારખવાના તેણે પ્રયત્ન આદર્યા.

વ્યોમેશચંદ્રને પણ મંજરીનું વર્તન આશ્ચર્યજનક લાગ્યું. પહેલાં તે પતિની સાથે બોલતી નહિ. ઘણી છોકરીઓ ઓળખાણ હોવા છતાં બોલતી નથી. પોતાના વૈભવથી પણ તે આકર્ષતી નહોતી. હોય ! સારાં