પૃષ્ઠ:Patra Lalsa.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
છેટાં હૃદયઃ ૧૧૯
 

કુલીન કુટુંબોમાં બાળકો ગરીબી અનુભવતાં હોય તે છતાં બીજાના વૈભવ જોઈ તેમને મોહ થતો નથી. તેમને એમાં કાંઈ નવાઈ લાગતી નથી. અને પોતાનો સુંદર દેખાવ જોઈ મંજરીએ કદી તીરછી નજરે નિહાળ્યું નથી. દેખાવની બાબતમાં એકલી સ્ત્રીઓ જ દૂષિત હોય છે એમ નથી; પુરુષો પણ દેખાવના એટલા જ શોખીન હોય છે, રૂપનો ગર્વ એટલો જ હોય છે. માત્ર સ્ત્રીઓ કરતાં જુદા પ્રકારનાં કામમાં રોકાવાને લીધે દેહનો વિચાર કરવાનો તેમને ઓછો વખત મળે છે. પરંતુ જેમને સ્ત્રીઓ જેટલી નવરાશ હોય છે તેઓ આયનાને દૂર કરી શકતા નથી, કપડાંને કરચલી પડવા દેતા નથી, વાળનો ચકચકાટ ઓછો થવા દેતા નથી, અને ચહેરો સારામાં સારો કેવી રીતે દેખાય તે માટે આંખ, હોઠ, હડપચી વગેરે કેમ ગોઠવી રાખવા તેના વિવિધ પ્રયોગોમાંથી ઊંચા આવતા જ નથી. વ્યોમેશચંદ્ર શ્રીમંત હતા, તેમને ફુરસદ ઘણી જ હતી, અને ફુરસદની અસર નીચે, ચારેક બાળકોના પિતા હોવા છતાં, પોતાના દેહની સુંદરતા માટે ઘણી જ કાળજી રાખતા. અને મર્યાદાની હદમાં રહીને, વિનયની હદ ઓળંગ્યા વગર તેઓ પોતાના રૂપને માટે ગર્વ પણ ધરાવી શકતા. પોતાનું રૂપ મંજરીને મોહ પમાડે એવા જાણ્યે-અજાણ્યે ઘણા પ્રયત્નો તેમણે કર્યા હતા, પરંતુ પુરષોના સૌંદર્ય સંબંધમાં સ્ત્રીઓના બહુ જ વિચિત્ર ખ્યાલ હોય છે. દેખાવડા મનાતા, સફાઈદાર કપડાં પહેરેલા ગોરા ગોરા માણસો તરફ સ્ત્રીઓ આંખ પણ નાંખતી નથી, જ્યારે કેટલાક કાળા અને દેખાવડા ન ગણાતા પુરુષો માટે અનેક જાતની વાતો સાંભળવામાં આવે છે. તે જે હોય તે ખરું, પરંતુ આવા વિચારોમાં વ્યોમેશચંદ્ર આશ્વાસન લઈ શકતા.

પરંતુ પરણ્યા પછી સ્ત્રીઓનું માનસિક વાતાવરણ બદલવું જ જોઈએ. રૂપ, સ્વભાવ અને ધન એ સર્વ બાબતોમાં મંજરીને વધારે સંતોષ આપે એવો પુરૂષ વ્યોમેશચંદ્ર સિવાય બીજો ભાગ્યે જ મળી શકે. છતાં તેણે કદી બોલાવવાનો પ્રયત્ન કર્યો નહિ, ચોરીછૂપીથી વ્યોમેશચંદ્ર સામું જોઈ લેતાં તે કદી પકડાઈ નહિ. તરત પરણીને યુવતીઓ વર સિવાય બીજી કોઈ પણ વાત કરી શકતી નથી. મંજરીની સખીઓએ કદી વ્યોમેશચંદ્ર સંબંધી સૂચન પણ તેની પાસેથી સાંભળ્યું નહિ. શરૂઆતના દિવસોમાં શરમ, સગપણમાં ફેરફાર, જીવનની નવીનતાનો ગભરાટ એ બધાં કારણોથી મંજરીનું મૌન સમજાવી શકાય પરંતુ હવે શું ?

વ્યોમેશચંદ્રને ફિકર પડી. મંજરીને તેઓ ઘણા જ ચાહતા હતા. પરંતુ એ પ્રેમનો પડઘો મંજરીના હૃદયમાં કેમ પડતો નહોતો ?

એક દિવસ મંજરી હીંચકા ઉપર સૂતી સૂતી કાંઈ વાંચતી હતી.