પૃષ્ઠ:Patra Lalsa.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૦ : પત્રલાલસા
 

લક્ષ્મી પાસે જ બેઠી હતી, અને બીજું કાંઈ કામ ન હોવાથી તે મંજરીના પગનાં તળિયાં દબાવતી હતી. મંજરીને આ વૈભવ ગમ્યો નહિ. તેણે લક્ષ્મીને પગ દબાવવાની ના પાડી. પરંતુ લક્ષ્મી તે માને એમ નહોતી. તેણે ઘણા આગ્રહ સાથે પગ દબાવવા ચાલુ રાખ્યા.

મંજરી એકલી હશે એમ ધારી ધીમે રહી વ્યોમેશચંદ્રે ઓરડામાં પ્રવેશ કર્યો. લક્ષ્મી ઊઠીને ઊભી થઈ અને ઓરડાની બહાર જવા લાગી. મંજરીએ પુસ્તકમાંથી નજર કાઢી જોયું તો વ્યોમેશચંદ્રને - પોતાના પતિને - નજીક આવતા જોયા.

'લક્ષ્મી ! ક્યાં જાય છે? ઊભી રહે ને ! હું તારી સાથે જ આવું છું.' કહી મંજરીએ લક્ષ્મીને થોભવા જણાવ્યું. લક્ષ્મીએ ઘણાં જોડાંના એકાંત મેળાપ કરાવી આપ્યા હતા. તે 'આવું છું' કહી બહુ જ ઝડપથી ઓરડાની બહાર ચાલી ગઈ. પરણ્યા પછી મંજરી ભાગ્યે જ એકલી પડી હતી. કોઈ નહિ તો નાની છોકરી પણ સાથમાં તો હોય જ. આજે એ અને વ્યોમેશચંદ્ર એ બે એકલાં જ પડ્યા હતાં. મંજરી ગૂંચવણમાં પડી. તે હીંચકા ઉપરથી ઊભી થઈ. વ્યોમેશચંદ્રે મંજરીનો હાથ ઝાલી તેને ફરી હીંચકા પર બેસાડી,અને પોતે પણ સાથે બેસી ગયા.

વ્યોમેશચંદ્રનો હાથ પોતાના હાથે અડકતાં તેનું મુખ બદલાઈ ગયું. અસ્પર્શ્ય વસ્તુને અડતાં જેટલો કંટાળો ઊપજે તેટલો જ કંટાળો મંજરીના મુખ ઉપર ફરી વળ્યો. વ્યોમેશચંદ્રને માનભંગ થતું લાગ્યું, પરંતુ તે મુખ ઉપર જણાવા ન દેતાં તેમણે મંજરીને ખભે હાથ મૂકી પૂછ્યું :

'મંજરી ?'

મંજરીએ ખભો સંકોચી લીધો અને જાણે હાથનો ભાર સહન થતો ન હોય તેમ ખભેથી વ્યોમેશચંદ્રના હાથને ખેસવી દીધો.

મંજરીએ ખભેથી હાથ ખસેડી નાખ્યો એટલે વ્યોમેશચંદ્રને એકાએક ગુસ્સો ચઢી આવ્યો. પત્ની તરફથી આવા વર્તનની કોઈ આશા રાખતું નથી. તેમને મનમાં લાગ્યું કે મંજરીને એના પિતાને ઘેર મોકલી દેવી; મંજરીનું અપમાન કરવું, અગર તેણે કરેલા અપમાનના બદલામાં તેણે ધોલ મારી તેની પત્ની તરીકેની પરાધીનતા સ્પષ્ટપણે સમજાવવી.

**પરંતુ ગુસ્સો એમણે દબાવ્યો. અને હસતું મુખ રાખી ફરીથી તેના ખભા ઉપર હાથ મૂક્યો. મંજરી સમજ વગરની નહોતી. તે જાણતી હતી કે કાયદાની દ્રષ્ટિએ, લૌકિક નીતિની દૃષ્ટિએ, તેનો દેહ વ્યોમેશચંદ્રની માલિકીનો થયો હતો. પરંતુ તેનું મન, તેનું હૃદય એ દ્રષ્ટિ સ્વીકારી શક્યું નહોતું. તેને તો હજી પેલો કુમળા મુખવાળો સનાતન યાદ આવ્યા કરતો