પૃષ્ઠ:Patra Lalsa.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
છેટાં હૃદય: ૧૨૧
 

હતો. સનાતનના પત્રની આશા રાખી થાકી ગયેલી, સનાતનની નિંદા સાંભળી તેના ઉપર પોતાનો કાંઈ અધિકાર ન હોવાના કારણે નિરૂપાય બની ગયેલી, અને પોતાને માટે સનાતનને લાગણી નહિ જ રહી હોય એવી ખાતરી થતાં ભયંકર મૂંઝવણમાં પડેલી આ યુવતીએ કાંઈ સમજ ન પડવાથી માતાપિતાની ઈચ્છાને માન આપી લગ્ન તો થવા દીધું, પરંતુ એ લગ્ન થતાં તેને લાગ્યું કે તેણે એક ન સુધરે એવી ભૂલ કરેલી છે. સનાતન ચાહે છે કે નહિ તેનો વિચાર પણ મંજરીને આવવો જોઈએ. સનાતનને માત્ર ચહાવું એટલું જ શું બસ નહોતું? તેનું હૃદય, તેનો દેહ જો સનાતનને શોધતાં હતાં તો મંજરીએ વ્યોમેશ સાથેના લગ્નને સ્વીકારવું જ નહોતું ! છતાં જ્યારે તેણે લગ્ન સ્વીકાર્યું ત્યારે લગ્નના ધર્મો પાળવા એ જ તેનું કર્તવ્ય હતું. વ્યોમેશચંદ્ર તેને પરણીને સુખી થવા માગતા હતા : જીભ વગરની, પ્રેમ વગરની, પૂતળીને પોતાનાથી નાસતા ફરતી જોવા તેઓ પરણ્યા નહોતા. મંજરીને એકાંતમાં આવા આવા બહુ વિચારો આવતા હતા. વ્યોમેશચંદ્રને તે ભારે અન્યાય કરે છે એમ તે માનતી હતી. પતિને રીઝવવાની બે યુક્તિ એ જ પતિ પ્રત્યે બજાવવાની બે મુખ્ય ફરજ : પતિને હૃદય સોંપવું અને પછી દેહ સોંપવો. હૃદય સોંપાઈ ચૂક્યું હતું. હૃદયની પ્રેરણા વગર - હૃદયની દોરવણી વગર દેહ ડગલું પણ ભરી શકતો નહોતો. ડગલું ભરતાં તો આંખ આગળ સનાતન પ્રગટી નીકળતો હતો, અને વ્યોમેશચંદ્ર તરફના અણગમાને તે વધારી મૂકતો હતો.

વ્યોમેશનો હાથ ફરીથી તેને ખભે મૂકાતાં શું કરવું તે મંજરીને સમજાયું નહિ. વ્યોમેશનો હાથ તેને ન ગમ્યો. જે હાથ ન ગમ્યો, તે હાથનું ગ્રહણ કરવું જોઈતું નહોતું. પતિને પત્નીને ખભે ક્વચિત્ હાથ મૂકવા જેટલો પણ હક્ક ન હોય ? હક્ક સ્વીકાર્ય છતાં વ્યોમેશનો હાથ ફરી તરછોડી નાખવા તેના હૃદયે બળ કર્યું. પરંતુ વ્યોમેશનું વારંવાર અપમાન કરવા જેવી ક્રૂરતા તેનાથી થઈ શકી નહિ. તેનું માર્દવ કોઈને પણ દુઃખી કરે એ અસંભવિત હતું. એ જ માર્દવે તેને વેલી તરફ આકર્ષી હતી, અને લગ્ન વિરુદ્ધ બંડ કરતાં તેને અટકાવી હતી. જગતમાં એવાં પણ હૃદયો હોય છે જે અન્યના સુખ માટે દેહને જ નહિ પણ હૃદયને પણ હોમે : મંજરીના હૃદયનું એવું જ ઘડતર હતું.

તેણે વ્યોમેશનો હાથ ખભા ઉપર રહેવા દીધો. પરંતુ તે સાથે જ તેની સામે સનાતન પ્રગટ થયો. અગાસી ઉપર એકનો એક મહામૂલો પ્રસંગ ફરી તેની દૃષ્ટિ સમીપ રચાયો. સનાતનના હસ્ત, સ્પર્શની કલ્પનાએ કંપ અનુભવતી મંજરીએ વ્યોમેશનો હાથ ખભા ઉપર સ્થિર રહેવા દીધો ખરો,