પૃષ્ઠ:Patra Lalsa.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
છેટાં હૃદય: ૧૨૩
 

તે સમજી, છતાં તેનું અંતર ઊછળ્યું નહિ. પોતાના સંસ્કાર અને સ્વરૂપનાં વખાણ સાંભળી હરકોઈ પત્ની રીઝે, પતિ 'તારો છું.' એ વિધાનથી પોતાના સમર્પણને વ્યક્ત કરે ત્યારે કોઈ પણ પત્નીને જીવનમાં સ્વર્ગ ઊતરી આવતું દેખાય. પરંતુ મંજરીને પોતાનાં વખાણ ગમ્યા નહિ. વ્યોમેશચંદ્ર અને તેમનું ઘર તેનાં ન હોત તો જ વધારે સારું થાત એવી લાગણી તેણે અનુભવી.

કોઈ પણ પત્નીના માનને - રોષને સમાવવા વ્યોમેશચંદ્રના શબ્દો પૂરતા હતા. છતાંયે જ્યારે મંજરી બોલી નહિ ત્યારે તેમને ફરીથી ખોટું લાગ્યું. અલબત્ત, ખોટું લાગ્યાથી તેમને ગુસ્સો ન જ ચઢ્યો. વ્યોમેશચંદ્રની રસિકતા ઓસરી ગઈ ન હતી. પત્નીનાં માન અને રોષમાં રસનો તેઓ અનુભવ કરતા હતા. મંજરીનું સુંદર રુદન અને વિસ્તૃત બનતો જતો અનુકૂળ સ્પર્શ તેમના ગુસ્સાને ગાળી નાખતો હતો.

તેમણે ખોટું લાગ્યાનો ભાવ વ્યક્ત થાય એ ઢબે પૂછ્યું :

'મંજરી ! મારી જોડે તું નહિ જ બોલે ને? મેં એવો શો વાંક કર્યો છે ?'

દયા ઉપજાવતાં આ વચનોએ મંજરીનું હૃદય વીંધ્યું. વ્યોમેશને થતા અન્યાયની ભાવનામાં દયાનો ઉમેરો થતાં મંજરીએ આડી રાખેલી આંખ સહજ વ્યોમેશચંદ્ર તરફ ફેરવી. વ્યોમેશના નવજીવનમાં આ પળ ધન્ય હતી. આજ સુધી મંજરીએ વ્યોમેશચંદ્રની નજર સાથે નજર મેળવી નહોતી. આજે તેણે સહજ દ્રષ્ટિ મેળવી. અનુભવી વ્યોમેશચંદ્રને લાગ્યું કે તેની જીત આ જ રસ્તે હતી. મંજરીની દયાવૃત્તિનો સ્પર્શ કરતાં તે જિતાશે એવી તેમને ખાતરી થઈ. તેઓ આગળ વધ્યા :

‘મંજરી ! હું નથી ગમતો, ખરું ?'

પતિનું આ લાડવચન હતું – વધારે દયા ઉપજાવવા માટે હતું. દયાથી ઉત્તેજિત થયેલી મંજરીએ વ્યોમેશચંદ્ર તરફ ફરી નજર નાખી. પરંતુ નજર - પડતાં જ તેનો જૂનો અણગમો પાછો તરી આવ્યો. વ્યોમેશના મુખ્ય તરફ જોયા વગર તેના શબ્દોમાં તે ગમતી હતી ત્યારે તેના હૃદયમાં દયાનો સંચાર થતો. પરંતુ નજર મેળવતા જ તેને સનાતન સાંભર્યો. સનાતનના પ્રભાતપુષ્પ સમા મુખને પડખે વ્યોમેશચંદ્રનું મુખ તાપથી કડક, અને મ્લાન બનેલા, રંગ ઊડી ગયેલા પુષ્પ સરખું લાગ્યું.

મંજરીથી છેવટે બોલાઈ ગયું :

'મને અહીં નથી ગમતું.’