પૃષ્ઠ:Patra Lalsa.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
લક્ષ્મીની ચોકી: ૧૨૫
 

આશામાં તેમનાથી બોલી જવાયું :

'મંજરી ! સાંજે મારી સાથે તારે ફરવા આવવાનું છે હો ?'

આટલું બોલી તેઓ ઊભા થયા ને મંજરીના જવાબની તેમણે રાહ જોઈ.

મંજરીએ જવાબ ન આપ્યો. નીચે જોઈ ખોળામાં લપાઈ ગયેલી વેલીના માથા ઉપર તેણે હાથ ફેરવ્યા કર્યો.

વ્યોમેશચંદ્ર ત્યાંથી ગયા. વેલી બેઠી થઈ અને મંજરી સામે તાકીને જોવા લાગી.

'શું જુએ છે ?' મંજરીએ પૂછ્યું.

‘તમે રડતાં હતાં ?' વેલીએ જવાબ આપવાને બદલે પ્રશ્ન કર્યો.

'તેં કેમ જાણ્યું ?' મંજરીએ સહજ હસતાં પૂછ્યું.

'કેમ ન જાણું? તમારી આંખો ચોળાઈ ગઈ છે ! લાલ લાલ થઈ ગઈ છે !'

મંજરીએ હસીને કશો જવાબ ન આપ્યો.

‘તમે આવાં કેવાં છો ? આખો દહાડો મોં ચઢાવીને જ બેસો છો !' વેલીએ મંજરી સામે વાંધો લીધો.

'મારું મોં જ એવું છે તે હું શું કરું ?' પોતાને ગમતી છોકરી સાથે મંજરીએ વાત લંબાવવા માંડી.

‘તમારું મોં તો બહુ જ સારું છે, મને એવું ગમે છે !' વેલીએ મંજરીના મુખસૌંદર્ય વિષે અભિપ્રાય આપ્યો.

હળવા બનેલા મંજરીના હૃદયમાં જવાબ સ્ફુર્યો.

‘ત્યારે મારી સાથે તું પરણજે.'

પરંતુ એ જવાબ તેના હૃદયમાં જ રહ્યો. કદાચ વેલી મોટી હોત તો મંજરીએ જવાબ આપ્યો હોત. મંજરીનો સ્વભાવ હતો એવો આનંદી રહ્યો હોત તો વેલી નાની હોવા છતાં તેણે એ જવાબ આપ્યો હોત. પરંતુ મંજરી મંજરી હતી અને વેલી નાની બાળકી હતી, એટલે તેને કાંઈ પણ જવાબ ના આપતાં તેણે વેલીના ગાલ ઉપર વહાલભરી એક ઝીણી ચૂંટી ભરી. વેલી મંજરીને વધારે વળગી.

નીચેથી ટપાલીનો અવાજ આવ્યો. અને મંજરી એકાએક બદલાઈ ગઈ. લક્ષ્મી તે જ વખતે વેલીને ખોળવાને બહાને ત્યાં આવી પહોંચી.

આ અનુભવી સ્ત્રી કેટલાક દિવસથી મંજરીના દર્દની ચિકિત્સા કરવાના પ્રયત્નમાં ગૂંથાઈ હતી. છૂપી રીતે તેણે મંજરીની સઘળી