પૃષ્ઠ:Patra Lalsa.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
લક્ષ્મીની ચોકીઃ ૧૨૭
 

‘ત્યારે શા માટે છુપાવો છો ? કોઈનો કાગળ આવવાની બીક લાગે છે ?' વકીલની સફાઈથી લક્ષ્મીએ પૂછ્યું.

મંજરીએ જવાબ ન આપ્યો. સમજાવવામાં કુશળ લક્ષ્મીએ આગળ ચલાવ્યું :

'હોય ! નાનપણની હજાર વાત હોય. રમતાં રમતાં વાત બની જાય એ વખતે કંઈ ભાન રહે છે ? અને મરદો તો એવા હોય છે કે પછીથી કેડો છોડતા જ નથી. કાંઈ નહિ તો કાગળ લખવામાંથી પણ ન જાય. પણ બહેન ! તમારે બીવાનું કોઈ કારણ નથી. તમારા કાગળો અહીં કોઈ ઉઘાડવાનું નથી. સાહેબને તો એવી ટેવ જ નથી ને.'

'મારે તો કશુંય બીવાનું કારણ નથી.'

'ખરું છે. કોઈ કાગળ લખે અને કોઈ વાંચે એમાં તમારે શું ? ગઈ ગુજરી વિસારે પડી, તોયે કોઈ કાગળ લખે તો તે જાણે તમારે તો કાને જ હાથ દેવાના !'

મંજરીના મુખ ઉપર તિરસ્કાર છવાઈ રહ્યો. પોતાની પત્રલાલસા શું આ રીતે બધા ઉકેલતા હશે ? નાનપણની કોઈ મૂર્ખાઈને પરિણામે કોઈ પુરુષ મળેલી છૂટનો દુરુપયોગ કરે, કાગળ લખે અને પોતાની ફજેતી કરાવે ! શું એવા ડરથી તે કાગળો માટે આતુર બનતી હતી ?

પોતે આવી મૂર્ખાઈ કરે જ નહિ એવું મંજરીને અભિમાન હતું. કોઈ પણ પુરુષને અણઘટતો કે ઘટતો લાભ મળે એવી છૂટ આપ્યાનું તેને સાંભરતું ન હતું. ગમે તેનો કાગળ આવે તોપણ તે ખુલ્લો મૂકતાં તેને જરાય ડર રહે એવું હતું નહિ. લક્ષ્મી મંજરીની અસ્થિરતા અને જડતામાં આવી અરસિક વાસના રહેલી શા માટે જોતી હશે તે તેને સમજાયું નહિ. લક્ષ્મી હલકી કક્ષાની સ્ત્રી હતી માટે જ તેને મંજરી માટે આવી ભાવના ઉત્પન્ન થઈ હતી. તિરસ્કારભરી આંખે તેણે લક્ષ્મી તરફ જોયું.

'સામાન્ય સ્ત્રીઓ આવી હશે. હું તો નહિ જ !'

એ વાક્ય તે બોલી નહિ, પરંતુ તેની દ્રષ્ટિમાં એવો જ ભાવ રહ્યો હતો.

લક્ષ્મી ગૂંચવાઈ. તિરસ્કારનો તે અર્થ સમજી; અને મંજરી સામાન્ય સ્ત્રી નહોતી એમ તેને થયેલા ભાનમાં વૃદ્ધિ થઈ.

ત્યારે આ વિચિત્રતા શી ? પૂર્વજીવનમાં યાદ કરવા સરખો પુરુષ ન હોય તો વ્યોમેશચંદ્ર શા માટે મંજરીને ગમતા નહિ હોય ? તેમના દેહ ઉપર ઉંમર દેખાતી નહોતી. તેમના સ્વભાવમાં કશી વિચિત્રતા નહોતી. અણગમો આવે એવી કશી ટેવ પણ નહોતી. તેમનાં બાળકો મંજરીને