પૃષ્ઠ:Patra Lalsa.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૮: પત્રલાલસા
 

ગમતાં હતાં. ત્યારે મંજરીને શું થતું હતું ? તેનામાંથી હર્ષ કેમ ઊડી ગયો હતો ? સુખ મળ્યે માનવીને આનંદ થવો જ જોઈએ. મંજરી પણ માનવી તો ખરી જ ને ? કક્ષાભેદમાં માનવતા પણ જુદી બની જતી હશે ?

લક્ષ્મી ચાલી ગઈ. વેલી ફરીથી મંજરીને વળગી. મંજરીએ તેને વળગવા દીધી, પરંતુ તેના મનમાં વિચાર આવ્યો :

લક્ષ્મી તરફ બતાવેલો તિરસ્કાર શું વાસ્તવિક હતો ?

તેના પૂર્વજીવનમાં અણઘટતું કશું જ બન્યું નહોતું, પરંતુ તેમાં પ્રવેશ પામી ગયેલો સનાતન હજી ખસતો નહોતો. એ શું ઘટતું હતું ? વચન આપ્યા છતાં તેણે પત્ર લખ્યો નહોતો. પત્ર આવવાની મંજરીએ આશા છોડી દીધી હતી. આશા છોડી દઈ તે માબાપને રાજી રાખવા વ્યોમેશચંદ્ર સાથે પરણી હતી; તે પૂરી સમજ સાથે પરણી હતી. સનાતનની તેના પ્રત્યેની ઉદાસીનતા અને સનાતનની સાંભળેલી નિંદા એ બે કારણોએ તેની પસંદગીને - અગર સંમતિને ખૂબ ઝોક આપ્યો હતો. લગ્ન થઈ ગયું હતું એટલે તેની ફરજ હતી કે તે વ્યોમેશચંદ્રને સુખી કરે. વ્યોમેશ તેનો ધર્મ પાળતો જ હતો. મંજરીને સુખી કરવા તે અથાગ પરિશ્રમ કરતો હતો.

આમ છતાં સનાતનના પત્રની હજી આશા રાખવી, તેને માટે ચમકી ઊઠવું, પત્ર ન આવે એટલે નિરાશાના સાગરમાં ડૂબી જવું અને સર્વનું જીવન ઝેર બનાવવું એ શું મંજરીને માટે ઘટિત હતું ? પત્ની તરીકે તે શું નિષ્ફળ નીવડતી નહોતી ?

આવા વિચારો તેને આવ્યા. લક્ષ્મી કરતાં તે પોતે કઈ રીતે વધારે ઊંચી કક્ષાની નીતિ પાળતી હતી તે વિષે તે વિમાસણમાં પડી. પતિ સિવાયના સર્વ કોઈ પરપુરુષ, પરપુરુષ માટેની આસક્તિ - જરા સરખી પણ – એટલે અનીતિ. શું મંજરી પોતે જ અનીતિમાન ન હતી ?

આનો ઉપાય શો ? સનાતનનો વિચાર સરખો પણ આવતો અટકાવવો ! પરંતુ તે અશક્ય હતું. સનાતન સાથેની થોડીક ક્ષણો તેના હૃદયમાં એવી ઊંડી ઊતરી ગઈ હતી કે ટપાલને સમયે અને નિદ્રામાં તે પરવશ બની જઈ સનાતનની મૂર્તિને સંભારતી હતી. સ્વપ્ન આવે તેનો ઇલાજ નહોતો. પત્ર આવે એ સમયે થરથરવું એ તેણે અટકાવવું જોઈતું હતું. પરંતુ તેયે બની શક્યું નહિ.

તેને વિચાર આવ્યો :

'વ્યોમેશચંદ્ર સાથેનું લગ્ન એ શું તેનું ખરું લગ્ન હતું ?'

એ વિચાર પછી સામાન્ય માનવીને જરૂર બીજો આમ જ વિચાર