પૃષ્ઠ:Patra Lalsa.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૨ : પત્રલાલસા
 

મૂર્તિ માફક સનાતનના અક્ષર પણ તેના કાળજામાં કોતરાઈ રહ્યા હતા.

ઓરડીનું બારણું બંધ કરી મંજરી પલંગ ઉપર જઈ સૂતી. હૃદયને ધડકવું હતું તેટલું તેણે ધડકવા દીધું. હૃદય ધડકાર સહજ શમતાં તેને લાગ્યું કે તેની આંખમાં આંસુ ઊભરાતાં હતાં. તેણે આંસુને ઊભરાવા અને વહેવા દીધાં. તે શા માટે રડતી હતી ? તેને કારણ જડ્યું નહિ. ઘણાં રુદન કારણ વગરનાં જ હોય છે. કારણ જડતાં ન હોવાથી એમ લાગતું હશે. પણ તેણે રડીને હૃદય હલકું પાડ્યું.

ધીમે રહીને તેણે કાગળ ફોડ્યો. તેમ કરતાં તેનો હાથ ધ્રુજ્યો. ફરી તેણે સરનામું વાંચ્યું. પિતાને સરનામે મોકલેલા આ પત્રથી તેને એકદમ ભાન આવ્યું કે સનાતનને તેના લગ્નની ખબર પડી જ નહિ હોય. સનાતન હવે તેનો થઈ શકે એમ હતું જ નહિ એ ખ્યાલ આવતાં તેને એમ થયું કે કાગળ વાંચવો જ નહિ. પરંતુ એવું મન ક્યાં સુધી રહી શકે ? હાથમાં આવેલો કોઈનો પત્ર પણ વાંચ્યા વગર માનવીથી રહેવાતું નથી. પોતાનો જ પત્ર વાંચ્યા વગર મંજરીથી શી રીતે રહેવાય? ક્યાં સુધી રહેવાય? વળી સનાતનનો પત્ર ન વાંચવો એ શું ક્રૂરતા ન કહેવાય ? એવી ક્રૂરતા થાય ?

તેણે પરબીડિયામાંથી પત્ર કાઢ્યો. હાથ તો ધ્રુજતો હતો. પત્ર કાઢતાં બરોબર મંજરી પોતે પરિણીત છે એ વાત ભૂલી ગઈ, અને પ્રથમ તેણે પત્રને છાતી સાથે દબાવ્યો. સનાતનને મળ્યા પછી જગતમાં પહેલું જ સુખ તે અનુભવતી હોય એમ તેણે ઊંડો શ્વાસ લીધો. થોડી વાર સુધી તેણે પત્રને દબાવી રાખ્યો.

કાગળ જેવી જડ વસ્તુઓ મન ઉપર કેમ અસર કરતી હશે ? અસર કરે છે એ સહુ કોઈ જાણે છે. પ્રેમીઓના ઘેલછાભર્યો પત્રવ્યવહાર વાંચવાની પણ જરૂર નથી. પ્રેમીઓ પરસ્પરના પત્રના માત્ર સ્પર્શ કે દર્શનથી જ ઘેલા બની જાય છે એ તેમની ચેષ્ટા નિહાળનાર તરત પરખી શકે છે. શા માટે એક જ કાગળ તેનાં દર્શન માત્રથી પ્રેમીને વિહ્વળ બનાવે છે ? જડ અને ચેતનની સીમાઉલ્લંઘનનો આ કોયડો કોઈ મનોધમવિજ્ઞાની ઉકેલે તો જુદી વાત.

કાગળને દબાવ્યાનો પૂરો સંતોષ વળ્યા પછી મંજરીએ કાગળ છાતીથી ખસેડી આંખ આગળ આણ્યો. વાંચતાં જ તે બેઠી થઈ ગઈ. તેણે એક વખત પત્ર વાંચ્યો, બીજી વખત વાંચ્યો, ત્રીજી વખત વાંચ્યો. તેની પત્રવાચનની લાલસા તોય તૃપ્ત ન થઈ; આજુબાજુની પરિસ્થિતિ તે વીસરી ગઈ, તે કોની પત્ની છે એ વાત ભૂલી ગઈ; સનાતન પરાયો-પરપુરુષ હતો એ સામાજિક સત્ય તેના મનમાં પ્રવેશી શક્યું નહિ. કોણ જાણે કેમ પત્રને