પૃષ્ઠ:Patra Lalsa.pdf/૧૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પત્રદર્શન:૧૩૩
 

છાતી સરસો દાબ્યાથી પૂરતો સંતોષ મંજરીને વળ્યો નહિ; પત્રને વારંવાર વાંચવાથી પણ તેને પૂરતો સંતોષ થયો નહિ; તેણે પત્રને એક ચુંબન કર્યું.

અંદર દાખલ થવાનું ઓરડીનું દ્વાર ખાલી બંધ કર્યું હતું. તથાપિ બીજી જાળીઓ અને બારીઓ ખુલ્લી જ હતી. દૂરની એક જાળીમાં છૂપાઈને લક્ષ્મીએ આ બધી મંજરીની ચેષ્ઠા નિહાળી. પછી જાણે મહત્ત્વની શોધ તેણે કરી હોય એમ હસતું, પરંતુ ભારેખમ મુખ રાખી જાળી આગળથી તે ખસી ગઈ અને બારણાં પાસે જઈ સહજ બારણું ખોલી તેણે પૂછ્યું :

'બહેન ! આવું કે?'

મંજરી-પત્રચુંબનમાં બેભાન બનેલી મંજરીને એકદમ ભાન આવ્યું કે તે પોતાના પતિના મકાનમાં જ કોઈ પરપુરુષનો પત્ર વાંચી આનંદ માણે છે !

ક્ષણભર સ્તબ્ધ બની ગયેલી મંજરીએ લક્ષ્મીને જોઈ એકદમ કાગળ સંતાડી દીધો. ગુનો ન કર્યો હોય તો પણ કોઈ ચીજ છુપાવવાનો પ્રયત્ન કરતાં મનુષ્ય ગુનેગાર જેવો જ દેખાય છે.

'કેમ બહેન, રડો છો ?' લક્ષ્મીએ પૂછ્યું.

'હું તો કાંઈ રડતી નથી.'

‘ત્યારે તમે હસો છો ?'

'તને ભલું એવું લાગ્યા કરે છે !'

'તો ખરી વાત કહું છું.; એટલું બોલી લક્ષ્મી મંજરીની પાસે આવીને ઊભી.

મંજરીનો હાથ ઘડીઘડી ઉશીકા તરફ જતો હતો. કાગળ તેની નીચે જ સંતાડ્યો હતો. રખેને કાગળ ત્યાંથી ખસી જઈ જાહેર થાય એવો ડર તેને લાગ્યા કરતો હતો. આથી જાણીબૂઝીને પકડાઈ જવાય એવી તેના હાથની પ્રવૃત્તિ ચાલ્યા કરતી હતી.

'આજે કોઈના કાગળની રાહ નથી જોવાની ?' લક્ષ્મીએ પૂછ્યું.

'કાગળ કેવો અને રાહ કેવી?' મંજરી જૂઠું બોલી. સારાં માણસો પણ જીવનમાં કેટલીયે વાર જૂઠું બોલે છે.

'જાઓ, જાઓ. મને છેતરશો નહિ. હું અજાણી નથી. આજે કોનો કાગળ આવ્યો છે તે કહું ?'

લક્ષ્મીના આ બોલ સાંભળી મંજરીના હૃદયમાં ધ્રાસ્કો પડ્યો, લક્ષ્મી ખરેખર કાગળ વાંચીને જ આવી હોય એવો તેને ભાસ થયો. મંજરીના મુખ ઉપરથી નૂર ઊડી ગયું, તે ફિક્કી પડી ગઈ. વ્યોમેશચંદ્રને તે ચહાતી હોય