પૃષ્ઠ:Patra Lalsa.pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૪ : પત્રલાલસા
 

કે ન ચહાતી હોય છતાં તે તેમની પત્ની હતી. પત્નીએ પતિ સિવાય બીજા કોઈ પણ પુરુષના જીવનમાં રસ લેવો એ મહાપાપ છે એમ નીતિવેત્તાઓએ નીતિના પ્રથમ સૂત્ર તરીકે સતયુગથી ઉચ્ચારેલું છે. મંજરીને લાગ્યું કે તે પાપ કરે છે. પાપ છુપાવવું એટલે પુણ્ય ! પરંતુ તે છુપાય નહિ ત્યારે ? ત્યારે પાપી કાં તો પ્રાયશ્ચિત્ત કરે કાં તો નઠોર બની જગતને ચીઢવવા ફરીથી એ પાપનો જ રસ્તો લે છે. જેમ માણસને ચીઢવવામાં મજા પડે છે, તેમ જગતને ચીઢવવામાં પણ રમૂજ આવે છે !

લક્ષ્મીએ પલંગ ઉપર બેઠેલી મંજરીની કુમળી હડપચી પકડી હસતે હસતે કહ્યું :

'કેમ કેવાં પકડાયાં છો ? બોલો હવે...! કેમ જીભ બંધ થઈ ગઈ? કહું, કોનો કાગળ છે ?'

'કાંઈ પણ ન જાણવા છતાં પૂરેપૂરું જાણવાનો ઢોંગ કરનાર માણસોનું ઘીટપણું અજબ હોય છે. કાગળ કોનો છે તે લક્ષ્મી જરાય જાણતી ન હતી. માત્ર મંજરીના સ્વાભાવિક ઊભરાએ તેની કલ્પનાને ઉત્તેજિત કરી હતી. સ્ત્રીસ્વભાવ અને પુરુષ સ્વભાવની જાણકાર લક્ષ્મી કલ્પનામાં પણ ખોટાં અનુમાનો તરફ દોરાય એમ ન હતું. અલબત્ત, એણે મંજરીને આપેલી હાસ્ય રૂપની ધમકી આખરે તો અનુમાન અને કલ્પનાની જ રમત હતી. સર્વજ્ઞ હોવાનો ઢોંગ કરી મંજરી પાસેથી કલ્પેલા પ્રસંગની સાચી વિગત કઢાવવાનો લક્ષ્મીએ સચોટ રસ્તો લીધો હતો.

શું કહેવું એ મંજરીને સૂઝયું નહિ. તેણે ફરીથી તકિયા ઉપર હાથ ફેરવ્યો, અને સંતાડેલા કાગળને વધારે દબાવી તેનું અસ્તિત્વ અને તેમાં રહેલું રહસ્ય વધારે સાબિત કર્યું. લક્ષ્મીએ તકિયા તરફ પોતાનો હાથ લંબાવ્યો. લક્ષ્મી જોકે નોકર હતી, તથાપિ તેનો દેખાવ, તેની રીતભાત અને તેની ધમક તેને બીજી ચાકરડીઓ કરતાં બહુ જ જુદી પાડી દેતાં હતાં. કદી તે સાસુ જેટલો દમામ રાખતી; કદી ઘરની પોતે જ માલિક હોય એમ હુકમ પણ કરતી; કોઈ વાર બહેનપણી બની જઈ મંજરીના હૃદયની વાત કઢાવવાને મથતી; અને લાગ જોઈ મંજરીના પગ દબાવી પોતાની હલકી નોકરની સ્થિતિ પણ માન્ય કરતી. આ બધું કરવામાં મંજરીને પોતાની કરી લેવાની તેની તજવીજ હતી.

લક્ષ્મીએ જેવો હાથ તકિયા તરફ લંબાવ્યો તેવો જ મંજરીએ તે હાથને જોરથી આઘો કર્યો. મંજરીના મુખ ઉપર ક્રોધ વ્યાપેલો દેખાયો, તેની ભ્રકુટી વાંકી થઈ. જવલ્લે ક્રોધ કરતી મંજરીનો કોપ ભય પમાડે એવો હતો.

લક્ષ્મી સમજી કે હવે મંજરીને મનાવવી પડશે. એકલો હક્ક કરી