પૃષ્ઠ:Patra Lalsa.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મજૂરોઃ ૧૩૯
 


'ઓહો ! આવો, આવો, મિસ્ત્રી ! તમને ક્યાંથી નવરાશ મળી ?' સનાતને પડોશીને બોલાવ્યો.

'અમે તો મજૂરલોક ! કામ ન મળે એટલે નવરા જ બેસીએ ને?'

‘એમ કેમ? તમે તો મિલમાં જ છો ને ?' સનાતને પૂછ્યું.

'આ જ સુધી તો મિલમાં હતા. કાલે જે થાય તે ખરું. અમારા મજૂરો અને કારીગરો ઓછા ફાટ્યા છે ? ભાઈસાહેબ ! ખાવાનું તો પૂરું મળે નહિ, અને ત્રીજે દહાજે હડતાલ પાડવા તૈયાર ! એ એક પવન વાયો છે. લોકોને બીજી ગમ જ પડતી નથી.' મિસ્ત્રી બોલ્યા.

'પણ એ હડતાલ તો તમારા બધાના લાભ માટે છે ! તમે બધાય સામેલ થાઓ ત્યારે એ બને !' સનાતને કહ્યું. તેની ચાલમાં કારીગર વર્ગના ઘણા માણસો રહેતા હતા. સનાતન સાથે કોઈ કોઈ કારીગર ઘણુંખરું રાતે ગપ્પાં હાંકતો જ હોય.

'સામેલ ન થઈએ તો શું કરીએ ? એકલદોકલનું ચાલે કેટલું ? હડતાલમાં લાભ શો મળે છે તે તો અમે જાણીએ છીએ. આમથી આમ રખડવું, સરઘસમાં ધાંધલ મચાવવાં, મારામારી કરવી, રોજી ખોવી, પોલીસનો માર ખાવો, અને રાત પડ્યે ઘેર આવી ભૂખ્યાં બૈરાંછોકરાંની ગાળો ખાવી ! છેવટે જખ મારીને પાછા કામે જોડાવું. આ અમારી હડતાલ !' મજૂરોનાં તોફાનથી કંટાળેલા મિસ્ત્રી બોલ્યા.

‘ત્યારે મદનલાલ શેઠની મિલમાંયે હડતાલ પડશે કે શું? શેઠ આજ ઊંચો જીવ કરતા હતા.' સનાતને કહ્યું.

'ભાઈ ! શેઠિયાઓને શું ? લાખોની મિલકત ભેગી કરેલી હોય. ચાર દહાડા મિલ બંધ રહી તેમાં એમને શો ધોકો લાગવાનો ? અમારા જુવાનિયાઓ સમજતા નથી, અને શેઠને હડતાલ પાડવાની ધમકી આપી બેઠા છે.' મિસ્ત્રીએ જણાવ્યું.

‘ત્યારે શેઠિયાઓ પણ સહેજ પોતાનો નફો ઓછો કરે તો તેમને કઈ ભારે ખોટ જવાની છે? એકાદ વરસ અડધું કમિશન લે તો સેંકડો મજૂરો પૂરું અનાજ પામે; અને તેથી શેઠિયાઓની મોટર બંધ રહેવાની નથી.' સનાતને ગરીબ મજૂરોનો પક્ષ લીધો.

જેની પાસે પૈસો નથી તેને પૈસાની કિંમત સમજાતી નથી. પાઈ પણ ન બચાવનારને નફોતોટો સરખો જ છે. પરંતુ લાખો રૂપિયાનો સંચય કરનાર સહજ જાણે છે કે એક પાઈની બચત એ ભવિષ્યના લાખો રૂપિયા સંઘરવાનો માર્ગ ખુલ્લો કરી આપે છે. એક બદામના નફા ઉપર લાખોનો