પૃષ્ઠ:Patra Lalsa.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૦:પત્ર લાલસા
 

સંગ્રહ રચાય છે. ધનવાનો એ સત્યને સારી રીતે પિછાને છે એટલે જ તેમનાથી એક પાઈ સરખી પણ ફેંકી દેવાતી નથી. એટલા જ કારણથી બદામ જેટલો નફો પણ જતો કરતાં તેમનું લોહી ફટકી જાય છે. પાઈ ફેંકવાની વૃત્તિમાંથી આર્થિક વિનાશની જવાળા ફેલાય છે એમ ધનિકો માને છે, એટલે તેઓ પાઈને પ્રિયતમા જેટલા વહાલથી - તેથીય વધારે વહાલપૂર્વક પકડી રાખે છે. એ પાઈમાંથી પૈસાનું ઝાડ ઊગે છે, અને એ ઝાડમાંથી ધનિકોને લણવા માટે રૂપિયા ખરી પડે છે. સનાતનની પાસે પૈસા ન હતા; હજી તેણે નફો કરવા માંડ્યો ન હતો. તેને પાઈ કે બદામમાં રહેલું સામર્થ્ય શી રીતે સમજાય ?

સનાતનના આવા ઉદ્દગારથી મિસ્ત્રીને નવાઈ લાગી. મિસ્ત્રી જાણતો હતો કે સનાતન શેઠાણીને ભણાવવા જાય છે. મજૂરોની વિરુદ્ધ બોલવાની લાલચ પણ મિસ્ત્રીને આ જ કારણે થઈ હતી. મજૂરોના લાભની વાત સનાતન કરશે એમ તેને લાગ્યું ન હતું. તે આશ્ચર્ય પામી બોલ્યો :

'વાહ, વાહ ! શેઠિયાઓ એટલું સમજે તો પછી જોઈએ શું માસ્તર ! અમે તો અમારાં હાડકાં દળી નાખીએ છીએ અને લોહીનું પાણી કરી, નાખીએ છીએ ત્યારે માંડ સૂકો રોટલો ખાવા મળે છે.'

'મદનલાલ શેઠની મિલે તો ઘણો નફો આપ્યો છે. તમને એ નફામાં શા સારું ભાગ ન મળે ? તમારી મહેનત ન હોય તો એમને નફો ક્યાંથી મળે?' નફામાં રહેલું મજૂરીનું મહત્ત્વ અર્થશાસ્ત્રની દૃષ્ટિએ સનાતને મિસ્ત્રીને સમજાવ્યું.

'પણ એવું કરે કોણ ? શેઠિયાઓના મહેલ અને મોટર પછી જતાં રહે ને !' મિસ્ત્રીએ કહ્યું.

‘કાલે શેઠને વાત કરી જોઈશ.' સનાતને કહ્યું.

આ ભાવનાશીલ યુવક ભૂલી ગયો કે તે પોતે મિસ્ત્રીની માફક શેઠનો નોકર હતો. મિસ્ત્રીની મહેનત અને આવડતની માફક તેની મહેનત અને આવડત. પણ શેઠે વેચાતી રાખી હતી. બીજા મજૂરોની માફક સનાતન પણ પગાર મેળવતો હતો. ફેર એટલો જ કે મજૂરોની મુખ્ય મહેનત, અંગમહેનત હતી અને સનાતનની મહેનત મગજની મહેનત હતી. મહેનતના પ્રકારફેર સિવાય મજૂર અને સનાતનમાં ઝાઝો ફેર નહોતો. આ સ્થિતિમાં શેઠ જેવા ઘડાયેલા ધનિક સનાતનની ધૃષ્ટતાભરી સલાહ ચલાવી લેશે કે કેમ તેનો પણ એને ખ્યાલ આવ્યો નહિ.

'પણ કાલે જ હડતાલ છે. શેઠે આજ કશો જવાબ ન આપ્યો.' મિસ્ત્રીએ મજૂરોનો નિશ્ચય જણાવ્યો.